મહારાષ્ટ્રનાં-પૂરગ્રસ્તોની મદદે શેફ સંજીવ કપૂરઃ દરરોજ ભોજન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોંકણ વિસ્તાર તથા પશ્ચિમ ભાગના અનેક જિલ્લાઓમાં આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનની આફતને કારણે 200થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયાં છે. જાણીતા શેફ (પાકશાસ્ત્રના નિષ્ણાત)સંજીવ કપૂર મદદ માટે આગળ આવ્યા છે. વિખ્યાત શેફ જોઝ આન્દ્રેસ અને તાજ હોટેલ્સ દ્વારા સ્થાપિત વર્લ્ડ સેન્ટ્રલ કીચન (WCK)ના સંગાથમાં સંજીવ કપૂરે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત તાલુકાઓ ચિપલૂણ અને મહાડમાં તાજા રાંધેલા ભોજન પૂરાં પાડવાની પહેલ આદરી છે.

આ ભોજન વિતરણ ઝુંબેશનો આરંભ આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે. કપૂરે જણાવ્યું છે કે અમે આ ઝુંબેશ અંતર્ગત શ્રેષ્ઠ ગુણવત્તાવાળાં ભોજન તૈયાર કરીશું જેથી અસરગ્રસ્ત લોકોને મૂળભૂત પોષકતત્ત્વો મળી રહે. આ વિસ્તારોના વધુ ને વધુ પૂરગ્રસ્ત લોકોને અમે જમાડી શકીએ એવું અમારું મિશન છે. રોજના 15 હજાર ભોજનનું વિતરણ કરવાનો અમારો ધ્યેય છે.