તિરુવનંતપુરમ- પૂરનો ભોગ બનેલા લોકો માટે સંયુક્ત આરબ અમિરાત (UAE) પાસેથી નાણાકીય સહાય લેવી કે નહીં તે વિશે કેરળ સરકાર કેન્દ્ર સરકાર સાથે ઉચ્ચસ્તરીય ચર્ચા કરશે. આ અંગેની માહિતી કેરળના મુખ્યપ્રધાન પી. વિજયન દ્વારા આપવામાં આવી છે.આપને જણાવી દઈએ કે, પૂરનો ભોગ બનેલા લોકોને મદદ કરવા માટે UAE દ્વારા આશરે 700 કરોડ રુપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર કોઈ પણ વિદેશી નાણાકીય સહાય મેળવવાની તરફેણમાં નથી.
કેરળના મુખ્યપ્રધાન પી. વિજયનએ જણાવ્યું કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલિસી 2016 મુજબ, અન્ય દેશોમાંથી સ્વૈચ્છિક સહાયના પ્રસ્તાવને સ્વીકારવાની જોગવાઈ છે. તેમણે કહ્યું હતું કે, ‘રાજ્ય સરકાર આ અંગે ચર્ચા કરશે અને સત્તાવાર રીતે તેને ઉકેલવાનો પ્રયત્ન કરશે’.
UAEની જાહેરાતના તરત બાદ વડાપ્રધાન મોદીએ પણ તેનું સ્વાગત કર્યું અને ટ્વીટ કર્યું હતું. પરંતુ હવે મીડિયામાં સમાચાર છે કે આ અંગે કેટલીક મર્યાદાઓ છે, અમે જોઈશું કે આગળ શું કરવાની જરુર છે. કેરળના મુખ્યપ્રધાને કહ્યું કે, જો જરુર જણાશે તો હું વડાપ્રધાન સાથે આ અંગે વાત કરીશ.
મળતી માહિતી મુજબ ભારતે વર્ષ 2007થી કોઈ અન્ય દેશ અથવા બહુરાષ્ટ્રીય સંસ્થા પાસેથી કોઈ પણ પ્રકારની સહાય સ્વીકારી નથી અને હાલમાં આ નીતિમાં ફેરફારની કોઈ શક્યતા નથી. ઉત્તરાખંડ અને કશ્મીરના પૂર દરમિયાન પણ કેન્દ્રએ વિદેશી સહાયની દરખાસ્તોને નકારી કાઢી હતી.