લોકસભા, વિધાનસભાઓની ચૂંટણી સાથે યોજવાનો કોઈ ચાન્સ નથીઃ વડા ચૂંટણી કમિશનર

ઔરંગાબાદ – વડા ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે ચૂંટણી બાબતે આજે એક મહત્ત્તવની સ્પષ્ટતા કરી દીધી છે. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી સાથે યોજવાની શક્યતાને એમણે સ્પષ્ટપણે નકારી કાઢી છે.

એમણે કહ્યું છે કે કાયદેસર માળખા વિના આમ કરવું શક્ય નથી.

અહીં પત્રકારો સાથેની વાતચીતમાં રાવતને જ્યારે એમ પૂછવામાં આવ્યું હતું કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે યોજવાનું શક્ય છે ખરું? ત્યારે રાવતે જવાબમાં કહ્યું હતું, ‘કોઈ ચાન્સ નહીં.’

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી આવતા વર્ષના એપ્રિલ-મે મહિનામાં નિર્ધારિત છે જ્યારે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમની ચૂંટણી આ વર્ષના અંત ભાગમાં નિર્ધારિત છે.

મિઝોરમ વિધાનસભાની મુદત 15 ડિસેંબરે પૂરી થાય છે જ્યારે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાઓની મુદત અનુક્રમે આવતા વર્ષની પાંચ, 7 અને 20 જાન્યુઆરીએ પૂરી થાય છે.

વડા ચૂંટણી કમિશનર રાવતની આ કમેન્ટ એવા સમયે આવી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે યોજવા માટે સંબંધિત પક્ષો વચ્ચે તંદુરસ્ત અને ખુલ્લા મનથી ચર્ચા યોજવાનું સૂચન વહેતું કર્યું હતું.

રાવતે કહ્યું કે, સંસદસભ્યોને બધી ચૂંટણીઓ એક સાથે યોજાય એ માટેનો કાયદો ઘડવા માટે ઓછામાં ઓછું એક વર્ષ લાગશે. આ પ્રક્રિયા સમય માગી લેનારી છે. બંધારણમાં સુધારો કરતો ખરડો જેવો તૈયાર થઈ જાય કે અમને (ચૂંટણી પંચ) ખબર પડશે કે આપણે આમાં આગળ વધવાનું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]