કેરળના પૂરથી કોચ્ચિ એરપોર્ટને રુપિયા 250 કરોડનું નુકસાન થયું

કોચ્ચિ- કેરળમાં ભયંકર પૂરપ્રકોપ બાદ કોચ્ચિના ઈન્ટરનેશનલ એરપોર્ટને ભારે નુકસાન થયું છે. પ્રારંભિક અનુમાન મુજબ આ નુકસાનનો આંકડો 250 કરોડ રુપિયા માનવામાં આવે છે. પૂરનું પાણી એરપોર્ટમાં થઈને રન-વે સુધી આવી જવાને કારણે કોચ્ચિ એરપોર્ટ 15 ઓગસ્ટથી બંધ કરવામાં આવ્યું છે. જેને 26 ઓગસ્ટથી રાબેતા મુજબ ખોલવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, કોચ્ચિ એરપોર્ટ કેરળનું સૌથી વધુ વ્યસ્ત રહેતું એરપોર્ટ છે. અહીં ખાડી દેશોમાંથી મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવે છે. કોચ્ચિ એરપોર્ટના પબ્લિક રિલેશન ઓફિસરના જણાવ્યા મુજબ 250 લોકો કોચ્ચિ એરપોર્ટને ફરીવાર શરુ કરવાના પ્રયાસમાં લાગ્યા છે.

છેલ્લા કેટલાંક દિવસોના સતત પ્રયાસ બાદ કોચ્ચિ એરપોર્ટમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું છે. હવે રન-વેની 800 લાઈટ અને દીવાલોની મરમ્મતનું કામ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ અધિકારીના જણાવ્યા મુજબ તૂટેલી દીવાલની જગ્યાએ એક અસ્થાયી માળખું ઉભું કરવામાં આવી રહ્યું છે જેથી એરપોર્ટની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવું પડે નહીં.

પૂરના પાણીને કારણે એરપોર્ટની સોલાર પેનલને પણ નુકસાન પહોંચ્યું છે. આપને જણાવી દઈએ કે, કોચ્ચિ એરપોર્ટ વિશ્વનું પ્રથમ એરપોર્ટ છે જે સોલાર પેનલથી ઓપરેટ કરવામાં આવે છે. એરપોર્ટના PROના જણાવ્યા મુજબ પૂરને કારણે 20 ટકા સોલાર પેનલ નષ્ટ થઈ ગઈ છે. જોકે એક મહિનામાં સ્થિતિ સામાન્ય થઈ જવાની ધારણા છે.

રાહતની વાત એ છે કે, કોચ્ચિના એરપોર્ટનો પહેલેથી જ વિમો ઉતારવામાં આવેલો હતો. જેથી તેના 250 કરોડના નુકસાનની ભરપાઈ વિમા કંપની દ્વારા કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]