તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીજ ચરબીનો થયો ઉપયોગઃ CM ચંદ્રબાબુ

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ અગાઉની YSR કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તેમના કાર્યકાળમાં તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાંથી આપવામાં આવતા લાડુના ‘પ્રસાદ’ બનાવવામાં હલકી સામગ્રી અને પ્રામીઓની ચરબીનો ઉપયોગ થયો છે. તેમણે કહ્યું હતું કે જગન વહીવટી તંત્રએ તિરુપતિના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો.

તેમને શરમ આવવી જોઈએ કે કરોડો ભક્તોની ધાર્મિક ભાવનાઓનું સન્માન નહીં કરી શક્યા, એમ તેમણે કહ્યું હતું. જોકે YSR જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી કોંગ્રેસે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. YSR કોંગ્રેસ પાર્ટીએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે જો સાબિત થઈ ગયું છે કે ચંદ્રબાબુ નાયડુ રાજકીય લાભ માટે કોઈ પણ સ્તરે નીચે ઊતરી શકે છે. પ્રસાદ સંબંધે ભગવાન સમક્ષ સોગંધ લેવા પણ હું તૈયાર છું, એમ તેમણે કહ્યું હતું.

CM ચંદ્રબાબુ નાયડુએ ધ્યાન દોર્યું હતું કે કે કેવી રીતે YSR કોંગ્રેસના શાસનમાં મંદિરની પવિત્રતામાં ઘટાડો થયો છે. મંદિર ‘અન્નદાનમ’ (મંદિરમાં પીરસવામાં આવતું મફત ભોજન) સાથે ચેડાં કરવામાં આવ્યા હતા અને તિરુમાલા લાડુમાં ઘીને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે હવે એની ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

આ મંદિર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના શાસન હેઠળ આવે છે. ગઈ ચૂંટણીમાં જનસેના અને ભાજપ સાથે ગઠબંધનમાં TDPની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવી હતી. બુધવારે NDA પાર્ટીની બેઠકમાં ચંદ્રબાબુ નાયડુએ અગાઉની સરકાર પર આ ગંભીર આરોપો લગાવ્યા હતા.

આ મડાગાંઠે અતિશય ધાર્મિક મહત્વ ધરાવતા તિરુમાલા મંદિરની પવિત્રતા અને વહીવટ અંગે ચર્ચા જગાવી છે. નાયડુના દાવાઓએ ભક્તોમાં ચિંતા પેદા કરી છે, મંદિરની પવિત્રતા અને તેના પ્રસાદની અખંડિતતા પર પ્રશ્નો ઊભા કર્યા છે.