તિહાડ જેલ તંત્રએ ઉત્તરપ્રદેશ પાસે બે જલ્લાદ માગ્યાઃ નિર્ભયાના દોષિતોને હવે ફાંસી

નવી દિલ્હી: નિર્ભયા કેસ મામલે ચારેય આરોપીઓને ફાંસીની અટકળો વચ્ચે તિહાડ જેલ પ્રશાસને ઉત્તરપ્રદેશ સરકારને પત્ર લખીને જલ્લાદની નિમણૂકની માગ કરી છે. જેલ પ્રશાસને કહ્યું કે, બે જલ્લાદોને શોર્ટ નોટીસ પર તૈયાર રાખવામાં આવે જેથી જરૂર પડયે તાત્કાલિક દિલ્હી બોલાવી શકાય.

ઉત્તર પ્રદેશના એડિશનલ ડાયરેક્ટર જનરલ (જેલ) આનંદકુમારે ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેમનો વિભાગ શોર્ટ નોટીસ પર બે જલ્લાદ ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે, જલ્લાદની માગને લઈને 9 ડિસેમ્બરે આ મામલે તિહાડ પ્રશાસનને એક ફેક્સ મળ્યો. જોકે, ગુનેગારોને ક્યારે ફાંસી આપવામાં આવશે તે અંગે ફેક્સમાં કોઈ ઉલ્લેખ નહતો. મહત્વનું છે કે નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસના ચારેય દોષિતો તિહાડ જેલમાં બંધ છે

આનંદ કુમારે વધુમાં કહ્યું કે, તેમની પાસે બે જલ્લાદ છે. એક લખનૌમાં છે જ્યારે બીજો મેરઠમાં આ બંન્ને ફાંસી આપવાનું કામ કરે છે. તિહાડ જેલ પ્રશાસને એવા સમયે પત્ર લખ્યો જ્યારે ચારેય દોષિતો વિનય શર્મા, અક્ષય ઠાકુર, મુકેશ સિંહ અને પવન ગુપ્તાને જલ્દી ફાંસી આપવાની અટકળો મીડિયામાં ચાલી રહી છે.

તો બીજી તરફ નિર્ભયાની માતાએ પણ રાષ્ટ્રપતિને પત્ર લખીને આરોપી વિનય શર્માની દયા અરજી ફગાવી દેવાની માગ કરી છે. જ્યારે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ જયહિંન્દે પણ રાષ્ટ્રપતિને પત્ર લખીને દોષિતોની અરજી ફગાવી દેવાની માગ કરી હતી.

શું છે સમગ્ર મામલો

મહત્વનું છે કે, દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં 16 ડિસેમ્બર 2012ના રોજ ચાલુ બસમાં 23 વર્ષની નિર્ભયા સાથે 6 લોકોએ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ નિર્ભયાનું સિંગાપુરમાં સારવાર દરમ્યાન મોત થઈ ગયું. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ મામલો ચાલ્યો. છ માંથી એક આરોપીએ તિહાડ જેલમાં કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી જ્યારે અન્ય એક આરોપી નાબાલિગ હતો જેના બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો. બાકી બચેલા ચાર દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.