SPએ જાહેર કરેલા 16 ઉમેદવારોમાંથી યાદવ પરિવારના ત્રણ સભ્યો

લખનૌઃ સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 16 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. આ યાદીમાં યાદવ પરિવારના ત્રણ સભ્યો સામેલ છે. SPએ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને મૈનપુરીથી મેદાનમાં ઉતાર્યા છે. ધર્મેન્દ્ર યાદવને બદાયું અને અક્ષય યાદવને ફિરોઝાબાદથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.  આ સિવાય પાર્ટીએ સંભલથી શફીકર રહેમાન બર્કને ટિકિટ આપી છે.

ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનમાં ત્રણ પક્ષો સામેલ છે.  અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને 11 સીટોની ઓફર કરી હતી. હાલમાં જ યુપીમાં ઈન્ડિયા બ્લોક હેઠળ SP અને RLDનું ગઠબંધન થયું હતું, જે અંતર્ગત SP પ્રમુખે RLDને સાત સીટો આપવાની જાહેરાત કરી હતી. જોકે  કોંગ્રેસે આ બેઠક વહેંચણી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી યુપીમાં ગઠબંધનને લઈને સસ્પેન્સ હતું. દરમિયાન, હવે અખિલેશ યાદવે 16 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

દેશના તમામ રાજકીય પક્ષો માટે ઉત્તર પ્રદેશ સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. અહીંથી લોકસભાની મહત્તમ 80 બેઠકો આવે છે. તેથી જ રાજકારણમાં કહેવત છે કે દિલ્હીની યાત્રા યુપીથી જ શરૂ થાય છે.