બેંગલુરુઃ કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં બોમ્બથી ઉડાડવાની ધમકી ભર્યો ઈ-મેલ આવ્યો છે. આ ઈ-મેલ બેંગલુરુની મશહૂર ત્રણ હોટેલોને મળ્યો છે. ધ ઓટેરા સહિત ત્રણ હોટેલોમાં બોમ્બની ધમકી પછી પોલીસ વહીવટી તંત્ર સતર્ક થયું છે. આ બોમ્બની ધમકી બુધવારે બપોરે બે વાગ્યે ઈમેઇલ મારફતે આપવામાં આવી હતી પરંતુ હોટેલના સ્ટાફે ગુરુવારે સવારે ઈમેઇલ ચેક કર્યો, ત્યાર બાદ તેમણે આ ધમકીની જાણ પોલીસ અને બોમ્બ સ્ક્વોડને જાણ કરી હતી. બોમ્બ સ્કવોડ અને પોલીસ હાલમાં ઓટેરા અને અન્ય હોટલોમાં છે.
આ સૂચના મળતાં આ હોટેલોની સુરક્ષા વધારવાની સાથે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. બોમ્બ સ્કવોડ અને શહેર પોલીસની ટીમો ત્રણ હોટેલોની તપાસ કરી રહી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે તમામ હોટલમાં તપાસ શરૂ કરી હતી. જોકે કલાકોની તપાસ બાદ પોલીસે આ ઇમેઇલને અફવા ગણાવી હતી. પોલીસને હોટલોમાંથી કોઇ વિસ્ફોટક ડિવાઇસ મળ્યા નથી. બાદમાં હોટલના કર્મચારીઓ અને મહેમાનોને રાહત મળી હતી.
છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ, જયપુર અને લખનઉ જેવાં શહેરોની શાળાઓ અને હોસ્પિટલોને ધમકીભર્યા ઈ-મેઇલ મળી રહ્યા હતા. ઉપરાંત, દિલ્હી, મુંબઈ, ગોવા, નાગપુર અને કોલકાતાના એરપોર્ટની વિવિધ સરકારી ઇમારતોને વિદેશીઓ તરફથી ધમકીભર્યા મેલ મોકલવામાં આવ્યા હતા.
અગાઉ અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી શાળાઓને ધમકી ભર્યો મેઇલ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રશિયન મેઇલ IDથી ધમકી આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળ્યાનો દાવો તપાસ એજન્સીનો છે. તપાસમાં ક્રાઈ મબ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમની ટીમ જોડાઈ હતી. સાથે જ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમો પણ તપાસમાં જોડાઇ હતી.
