બેંગલુરુઃ ભારતીય દવાઉત્પાદક ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ પોતાની ઝાયકોવ-ડી વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) પાસે મંજૂરી માગી છે. ઝાયડસ કેડિલાએ DCGI પાસે ૧૨ વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે રસીના ઉપયોગની મંજૂરી માગી છે. આ રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ પણ પૂરી થઈ ગઈ છે. કંપનીએ એને વિશ્વની પહેલી પ્લાસ્મિડ ડીએનએ રસી બતાવી છે અને કહ્યું હતું કે એ બાળકો માટે સુરક્ષિત છે.
કંપનીએ કહ્યું હતું કે કંપનીએ કોવિડ-19ની રસીના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માટે DCGIને અરજી કરી છે અને કંપનીની યોજના વાર્ષિક 12 કરોડ ડોઝ બનાવવાની છે.
ઝાયકોવ-ડી એક ડીએનએ કોવિડ રસી છે. આ રસી શરીરની ઇમ્યુનિટી વધારવા માટે જિનેટિક મટીરિયલનો ઉપયોગ કરે છે. દેશમાં હાલ આપવામાં આવતી રસી ડબલ ડોઝ છે. જ્યારે ઝાયડસની રસી તેનાથી જુદી છે. આ રસીના ત્રણ ડોઝ લગાવવામાં આવશે.
આ પહેલાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યું હતું કે ઝાયડસ કેડિલાએ ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે ૨૮,૦૦૦થી વધુ સ્વયંસેવકો નોંધ્યા છે.
આ રસીનો 2થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સંગ્રહ કરી શકાય છે. આ માટે કોલ્ડચેઇનની જરૂર નથી. આનાથી તેનું ટ્રાન્સપોર્ટેશન સરળ બની જશે. આ રસીને વિકસાવવામાં નેશનલ બાયોફાર્મા મિશન પાસેથી મદદ મળી છે.
ગુજરાત સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીનું કહેવું છે કે આ રસીને ઇન્જેક્શન વગર જ ફાર્માજેટ ટેકનિકથી લગાવવામાં આવશે. આ ટેકનિકનો ઉપયોગથી રસી આપ્યા બાદ આડઅસરનું જોખમ ઓછું થઈ જશે. જો તેને મંજૂરી મળે તો આ કોરોનાને રોકવા માટે વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત રસી અને દેશમાં ઉપલબ્ધ પાંચમી રસી હશે.
ભારતમાં કોવિડ-૧૯ વિરુદ્ધ અત્યાર સુધી ત્રણ રસીને મંજૂરી આપવામાં આવી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ વેક્સિન ડ્રાઈવમાં કરવામાં આવી રહ્યો છે. રશિયાની સ્પુતનિક-Vને પણ દેશમાં ઇમરજન્સી ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.