‘WHO માટે ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટ હાલ ચિંતાનો-વિષય નથી’

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથને એક મુલાકાતમાં કહ્યું છે કે કોરોનાવાઈરસ ચેપી બીમારીનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હાલ WHO માટે કોઈ ચિંતાનો વિષય નથી. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને લીધે ચેપગ્રસ્ત દર્દીઓની જે સંખ્યા નોંધાઈ છે એ બહુ જ ઓછી છે.

જોકે ભારત સરકાર ગયા મહિને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને ચિંતાજનક તરીકે ઓળખાવી ચૂકી છે. આ ચેપી વેરિઅન્ટના કેસ દેશના 12 રાજ્યોમાં નોંધાયા છે. દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ સંસ્થાના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ અંગે હજી પૂરતી એવી માહિતી મળી નથી કે જેથી એવું માની શકાય કે એ વધારે ચેપી છે કે એ વધુ મરણ નિપજાવી શકનારો છે. જોકે લોકોએ કોઈ પણ ચેપ સામે સુરક્ષિત અને સતર્ક તો રહેવું જ પડશે.