નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પાસે બે સપ્તાહની અંદર ત્રણ વર્ષની જાહેરાતો પર કેટલો ખર્ચ કર્યો છે- એનો હિસાબ માગ્યો છે. કોર્ટે આ હિસાબ ત્યારે માગ્યો છે, જ્યારે દિલ્હી સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે સરકાર રિજનલ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટ માટે ફંડ આપવા માટે સક્ષમ નથી. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે દિલ્હી સરકારને કહ્યું હતું કે બે સપ્તાહમાં એક એફિડેવિટ ફાઇલ કરો, જેમાં છેલ્લાં ત્રણ વર્ષના નાણાકીય વર્ષમાં જાહેરાત પર કરવામાં આવેલા ખર્ચની વિગતો હોવી જોઈએ.
શું છે મામલો?
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી-મેરઠ ક્ષેત્રીય રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટ કામમાં વિલંબ માટે દિલ્હી સરકાર પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે તમારી પાસે જાહેરાતો માટે પૈસા છે, પરંતુ તમારી પાસે એ પ્રોજેક્ટ માટે પૈસા કેમ નથી, જે લોકોને સારી સુવિધા આપશે.
દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) એક સેમી-હાઇ-સ્પીડ રેલ કોરિડોર છે, જેનું નિર્માણ હાલમાં કરવામાં આવી રહ્યું છે. એ કોરિડોર દિલ્હી, ગાઝિયાબાદ અને મેરઠ શહેરોને જોડશે.આ ટ્રેનની ખાસિયત એ છે કે એની મહત્ત્મ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. આ હિસાબે એ ટ્રેન દેશની સૌથી વધુ ઝડપી ટ્રેન હશે. આ ટ્રેન દિલ્હીથી મેરઠનું અંતર 55 મિનિટમાં કાપશે. એ સાથે એ ટ્રેન દર પાંચ-10 મિનિટમાં યાત્રીઓ માટે ઉપલબ્ધ રહેશે.