નવી દિલ્હીઃ હવામાન વિભાગે 20 એપ્રિલ સુધી કેટલાંય રાજ્યો માટે હીટ વેવનું અલર્ટ જારી કર્યું છે. આ સપ્તાહે તાપમાન બહુ વધારે વધવાનું છે, જેને કારણે ભીષણ ગરમી પડશે. લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ જરૂરી હોય તો જ બહાર નીકળે. બીજી બાજુ ઉત્તર ભારતનાં કેટલાંય રાજ્યોમાં વરસાદ અને તોફાનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
IMDએ કહ્યું હતું કે આગામી પાંચ દિવસોમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, કોંકણ, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, તટીય આંધ્ર પ્રદેશ અને તેલંગાણના કેટલાક ભાગોમાં હીટ વેવ કે લૂની સ્થિતિ બની રહેવાની સંભાવના છે. IMDએ કેટલાક દિવસો પહેલાં જ ચેતવણી જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આવનારા ત્રણ મહિનામાં દેશના લગભગ દરેક રાજ્ય અને ક્ષેત્રમાં કાળઝાળ ગરમી પડશે આ વર્ષે હીટ વેવ બાકીનાં વર્ષોની તુલનાએ વધુ દિવસો ચાલશે.
દેશમાં ગ્રીન હાઉસ ગેસને કારણે થનારા ક્લાયમેટ ચેન્જની અસર ખતરનાક થઈ રહી છે. દેશનું તાપમાન ખતરનાક રીતે વધી રહ્યું છે. આવામાં દુકાળ જેવી સ્થિતિનો સામનો કરવો પડે એવી શક્યતા છે. ક્લાયમેટ ચેન્જને કારણે હીટ વેવ વધુ દિવસો સુધી રહે છે.છેલ્લાં 12 વર્ષોમાં અત્યાર સુધી 11,000થી વધુ લોકોનાં હીટ વેવને કારણે મોત થયાં છે. વર્ષ 2012થી 2014 સુધી દરેક વર્ષે આશરે 1200 લોકોનાં મોત હીટ વેવને કારણે થયાં છે. વર્ષ 2015માં તો એ આંકડો 1900ને પાર પહોંચ્યો હતો. 2020 પછી ચલાવવામાં આવતી જાગરુકતાની ઝુંબેશને કારણે મોતની સંખ્યામાં ઘટાડો થયો છે. એને કારણે જ વર્ષ 2023માં હીટ વેવથી 14 રાજ્યોમાં 264 લોકોનાં મોત થયાં હતાં.