જે પ્રોજેક્ટનો ગડકરીએ કર્યો શિલાન્યાસ, એનો કંગનાએ કર્યો વિરોધ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની મંડી સીટથી ભાજપનાં સાંસદ કંગના રણોત હવે કેન્દ્ર સરકારના એક પ્રોજેક્ટના વિરોધમાં ઊતરી ગઈ છે. હજી છ મહિના પહેલાં હિમાચલ પ્રદેશના કુલ્લુમાં નીતિન ગડકરીએ ખરાહલ ખીણમાં બિજલી મહાદેવ રોપવેનું એલાન કર્યું હતું, પણ રૂ. 272 કરોડના આ પ્રોજેક્ટનો હવે કંગના રણોતે વિરોધ શરૂ કરી દીધો છે.

બિજલી મહાદેવ મંદિર માટે રોપવેને લઈને ખરાહલ અને કશાવરી ખીણના લોકો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. ગ્રામીણોએ કેટલીય વાર રસ્તા પર ઊતરીનો બિજલી મહાદેવ રોપવેનું વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમનું કહેવું હતું કે રોપવે બનવાથી દેવતા ખુશ નથી. રોપવે બનવાથી તેમના રોજગાર પર પ્રતિકૂળ અસર પડશે. એ સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચશે, કેમ કે રોપવેના નિર્માણમાં અનેક વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવશે.

કંગનાએ કહ્યું હતું કે મેં આ પ્રોજેક્ટને લઈને નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. મેં તેમને આ મામલે માહિતી આપી હતી. જો અમારા દેવતા નથી ઇચ્છતા તો એ પ્રોજેક્ટ બંધ થવો જોઈએ. હું નીતિન ગડકરીને ફરી મળીશ. અમારા માટે દેવતાનો આદેશ આધુનિકીકરણથી વધુ જરૂરી છે.

ગડકરી કર્યો હતો શિલાન્યાસ

હિમાચલમાં કુલ્લુના મોહલ નેચર પાર્કમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બિજલી મહાદેવ રોપવેનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો. આ રોપવે દોઢ વર્ષમાં બનીને તૈયાર કરવાનો હતો. આ રોપવે બનવાથી 36,000 પ્રવાસીઓ એક દિવસમાં બિજલી મહાદેવ પહોંચશે અને અહીં ટુરિઝમને ઘણો લાભ થશે.

નેશનલ હાઇવે લોજિસ્ટિક મેનેજમેન્ટ લિ.ના મેનેજર અનિલ સેને જણાવ્યું હતું કે બિજલી મહાદેવનો આ રોપવે મોનો કેબલ રોપવે હશે અને 55 બોક્સ એમાં લગાવવામાં આવશે. એની ક્ષમતા 1200 લોકોને લઈ જવાની હશે અને એ ક્ષમતાને 1800 સુધી વધારવામાં આવશે.