પાંચ મહિનામાં આઠમા પગાર પંચની જાહેરાતની શક્યતા

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોટી ભેટ આપે એવી શક્યતા છે. આગામી પાંચ મહિનામાં કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની જાહેરાત થવાની શક્યતા છે. આ સિવાય સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે.

આ સિવાય પેન્શનર્સને લઘુતમ બેઝિક પેન્શનમાં વધારો થવાની ધારણા છે. લગભગ એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને આનો ફાયદો થશે. સરકાર લીલી ઝંડી આપતાં જ લઘુતમ બેઝિક સેલરી રૂ. 18,000થી વધીને રૂ. 34,500 થશે. આ સાથે લઘુતમ પેન્શન પણ વધીને રૂ. 17,200 થવાની શક્યતા છે.

સરકાર પાસે એવી અપેક્ષા છે કે આગામી બજેટમાં 2025માં આઠમા પગાર પંચની ઘોષણા કરશે. જોકે સરકાર એનો અમલ ક્યારે કરે છે, એ ખાસ જોવું રહ્યું, એમ એક યુનિયન નેતાએ કહ્યું હતું.

કેન્દ્ર સરકાર તરફથી 10 વર્ષ બાદ નવું પગાર પંચ બનાવવામાં આવે છે. પગાર પંચની સલાહના આધારે જ સરકારી કર્મચારીઓના પગાર સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવે છે. હાલનું પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરાયું હતું. એ હિસાબે આગામી પગાર પંચ બરાબર 10 વર્ષ બાદ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થાય તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. જો સરકાર જાન્યુઆરી 2026થી તેને લાગૂ કરે તો તેના માટે પગાર પંચની રચના કરવી જરૂરી રહેશે.

સરકારી કર્મચારી યુનિયને પગાર વધારા માટે ખાસ મહત્વ ધરાવતા ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 3.68નો યુઝ કરવાની માગ કરી હતી. પરંતુ સરકારે તેને 2.57 કરવાનો નિર્ણય લીધો હતો.