રાજસ્થાનના નિર્મમ હત્યા-કેસની NIA તપાસ કરશે  

ઉદેપુરઃ રાજસ્થાનના ઉદેપુરમાં ગઈ કાલે થયેલી નિર્મમ હત્યાના મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે દરજી કનૈયાલાલની હત્યા કેસની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA કરશે. જોકે રાજ્યમાં સ્થિતિ હજી તણાવપૂર્ણ છે. કનૈયાલાલની હત્યાથી ઊભા થયેલા આક્રોશને જોતાં ગેહલોત સરકારે રાજ્સ્થાનમાં 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે અને બધા જિલ્લાઓમાં કલમ 144 લગાડી દીધી છે. ભાજપે રાજસ્થાનમાં બંધનું એલાન આપ્યું છે.

આ હત્યાના બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સરકારે ધમકી છતાં સમજૂતી કરાવવાળા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. કનૈયાલાલના પરિવારને આર્થિક મદદ અને પરિવારના બે સભ્યોને નોકરી આપવાનું એલાન કરવામાં આવ્યું છે. જોકે હત્યારા આરોપી મોહમ્મદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદના સંબંધ દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે જોડવામાં આવી રહ્યા છે.બીજી બાજુ પોસ્ટમોર્ટમ પછી કનૈયાનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. કનૈયા ‘અમર રહો’ના સૂત્રોચ્ચારની વચ્ચે મૃતદેહ ઘરે પહોંચ્યો છે. પોલીસ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે.

કનૈયાની હત્યા અચાનક નથી કરવામાં આવી. કટ્ટરપંથીઓએ પહેલાં કનૈયાને હત્યાની ધમકી આપી રહ્યા હતા. કનૈયાએ 15 જૂને પોલીસને ફરિયાદ કરતાં સુરક્ષાની માગ કરી હતી, પણ પોલીસે આરોપીઓની ધરપકડ કરવાને બદલે સમજૂતી કરીને કેસની પતાવટ કરવામાં આવી હતી.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપ ગેહલોત સરકારના રાજીનામાની માગ કરી રહ્યો છે. કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પણ અનેક સવાલ ઊભા કરતાં ગેહલોત સરકારને રાજધર્મ નિભાવવા માટે સલાહ આપતાં સવાલ કર્યો હતો કે ધમકી મળ્યા પછી પણ કનૈયાલાલને સુરક્ષા કેમ પૂરી પાડવામાં ના આવી? રાજ્ય સરકારની SITની ટીમ ઉદેપુર આવી ગઈ છે. ટીમ ઘટનાસ્થળ અને અન્ય જગ્યાઓની તપાસ કરશે.