નવી દિલ્હીઃ દિલ્હીના ઉપ રાજ્યપાલે દિલ્હી મહિલા પંચમાંથી 223 કર્મચારીઓને તત્કાળ અસરથી દૂર કર્યા છે. આરોપ છે કે દિલ્હી મહિલા પંચના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નિયમોથી વિરુદ્ધ જઈને વગર મંજૂરીએ તેમની નિયુક્તિ કરી હતી. આ આદેશમાં DCW અધિનિયમનો હવાલો આપવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પંચમાં માત્ર 40 પદ સ્વીકૃત છે અને DCWની પાસે કર્મચારીઓની નિમણૂક કરવાનો અધિકાર નથી.
DCW ડિપાર્ટમેન્ટના એડિશનલ ડિરેક્ટર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું હતું કે નવી નિયુક્તિઓથી પહેલાં જરૂરી પદોનું કોઈ મૂલ્યાંકન નથી થયું અને ના તો વધરાના નાણાકીય બોજની મંજૂરી લેવામાં આવી હતી. દિલ્હી મહિલા પંચના કર્મચારીઓને દૂર કરવાનો આદેશ એવા સમયે આવ્યો છે, જ્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી છે, જેથી આપ પાર્ટી તરફખી ઉપ રાજ્યપાલ વિનય કુમાર સકસેનાની આ કાર્યવાહીનો વિરોધ થાય એવી શક્યતા છે. હવે સવાલ એ છે કે દરેક સરકારી નિયુક્તિ માટે નાણાં વિભાગ સહિત કેટલાય અન્ય વિભાગોથી મંજૂરી લેવાની હોય છે, ત્યારે કઈ રીતે 200થી વધુ કર્મચારીઓની નિયુક્તિ કરી લેવામાં આવી? આટલું જ નહીં, આ બધાને આટલા દિવસોથી કામ કેવી રીતે કરવા દેવામાં આવ્યું.
દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે DCWના પદથી રાજીનામું આપી દીધું હતું. તેમને આપ પાર્ટીએ નોમિનેટ કરીને રાજ્યસભામાં મોકલ્યાં હતાં. જે 223 કર્મચારીઓને પદથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો, તેમને સ્વાતિ માલીવાલના કાર્યકાળ દરમ્યાન રાખવામાં આવ્યા હતા. સ્વાતિ માલીવાલ પર આરોપ છે કે તેમણે નિયમોને નેવે મૂકીને કર્મચારીઓની ભરતી કરી હતી.