રાજ્યસભામાં ઉઠ્યો AIનો મુદ્દો, AAP નેતાએ રજૂ કર્યા ચોંકાવનારા આંકડા

આજે રાજ્યસભાની ચર્ચા દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ અધ્યક્ષ જગદીપ ધનખડ સમક્ષ ભારતની AI ક્ષેત્રમાં પછાતપણાની વાત કરી અને આંકડાઓ સાથે પોતાનો મુદ્દો રજૂ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આગામી સમયમાં જે દેશ પાસે AIની શક્તિ હશે, તે જ વિશ્વનું નેતૃત્વ કરશે. જવાબમાં અધ્યક્ષ ધનખડે આશ્વાસન આપ્યું કે ભારત આ દિશામાં આગળ વધીને વિશ્વગુરુનું સ્થાન મેળવશે.

‘AI ની તાકાત ધરાવનાર દેશ બનશે વિશ્વગુરુ’
રાઘવ ચઢ્ઢાએ ચર્ચા દરમિયાન કહ્યું, “ભારતમાં પ્રતિભા અને મોટી વસ્તી હોવા છતાં, AIના ક્ષેત્રમાં આપણે જેટલું આગળ વધવું જોઈએ તેટલું નથી વધી શક્યા. આવનારા દિવસોમાં જે દેશ AIમાં મજબૂત હશે, તે વિશ્વનું નેતૃત્વ કરશે. આથી ભારતે ‘મેક ઈન ઈન્ડિયા’ની સાથે ‘મેક AI ઈન ઈન્ડિયા’ના ધ્યેય સાથે કામ કરવું જોઈએ.” તેમની આ વાત પર જગદીપ ધનખડે પ્રતિસાદ આપતા કહ્યું, “ચિંતા ન કરો, ભારત જ આગળ આવતા સમયમાં વિશ્વગુરુ બનશે.”

ચઢ્ઢાએ વધુમાં ઉમેર્યું, “આજના AI ક્રાંતિના યુગમાં અમેરિકા પાસે ChatGPT, Gemini અને Grok જેવા દમદાર મૉડલ છે. ચીને DeepSeek જેવું કાર્યક્ષમ AI મૉડલ વિકસાવી લીધું છે. પણ ભારતનું પોતાનું સ્વદેશી જનરેટિવ AI મૉડલ ક્યાં છે? આપણે આ દિશામાં ક્યાં ઊભા છીએ?” તેમણે આ મુદ્દે ભારતની પ્રગતિ પર સવાલ ઉઠાવ્યા. રાઘવ ચઢ્ઢાએ આંકડાઓ રજૂ કરતા જણાવ્યું કે, “2010થી 2020 દરમિયાન વિશ્વભરમાં નોંધાયેલા AI પેટન્ટમાં અમેરિકાનો ફાળો 60 ટકા અને ચીનનો 20 ટકા છે, જ્યારે ભારત માત્ર 0.5 ટકા સાથે ઘણું પાછળ છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં, છેલ્લા ચાર-પાંચ વર્ષમાં અમેરિકા અને ચીને AIમાં રોકાણ અને સંશોધનમાં લાંબી છલાંગ લગાવી છે.” તેમણે એમ પણ કહ્યું કે, “વિશ્વના AI વર્કફોર્સમાં 15 ટકા ભારતીયો છે. આપણી પાસે પ્રતિભા, મહેનત અને ડિજિટલ શક્તિ છે. 90 કરોડથી વધુ ઈન્ટરનેટ યુઝર્સ હોવા છતાં, આપણે AIમાં વૈશ્વિક સ્તરે પાછળ છીએ. આપણે AIના ઉત્પાદક નહીં, પણ ઉપભોક્તા બની ગયા છીએ. લગભગ 4.5 લાખ ભારતીયો AI ક્ષેત્રમાં દેશની બહાર કામ કરી રહ્યા છે. AI ટેકનોલોજીમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે, પણ આપણે હજુ ઘણું કરવાનું બાકી છે.”