બીજી અભિનેત્રીઓએ ઠુકરાવેલી ‘રૂપા’ નું રૂપ ઝીનતે ધર્યું!

રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ (૧૯૭૮) માં કલાકારોની પસંદગી અને ખાસ કરીને હીરોઈન તરીકે ઝીનત અમાન કેવી રીતે આવી એની વાતો રસપ્રદ છે. લતા મંગેશકરે એક મુલાકાતમાં કહ્યું હતું કે રાજ કપૂરે ફિલ્મની સ્ક્રિપ્ટ એમને જ આધાર બનાવીને લખી હતી અને તે એમાં કામ કરે એવું ઇચ્છતા હતા. પરંતુ લતાજી પડદા પર કામ કરવા માગતા ન હોવાથી ના પાડી દીધી હતી.

ફિલ્મના કલાકારોની પસંદગી શરૂ થઈ ત્યારે પહેલાં રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનો વિચાર થયો હતો. પરંતુ ‘બોબી’ વખતના કેટલાક કટુ અનુભવોને કારણે રિશિ કપૂર સહિત ઘણાએ રાજેશ માટે ના પાડી હતી. રણધીરે રાજજીને ઘરના જ હીરો શશી કપૂરને લેવાનું સૂચન કર્યું હતું.

શશીના નામ પર મહોર લાગ્યા પછી હીરોઈન તરીકે હેમામાલિની અને વિદ્યા સિંહા જેવી ઘણી અભિનેત્રીઓનું નામ આવ્યું હતું. પરંતુ અંગપ્રદર્શન વધુ હોવાથી કોઈએ હા પાડી નહીં. ત્યારે ઝીનત અમાને સામે ચાલીને ભૂમિકા મેળવી હતી. ઝીનતે એક મુલાકાતમાં કહ્યું હતું કે તે અસિત સેન નિર્દેશિત ફિલ્મ ‘વકીલ બાબુ’ (૧૯૮૨) માં શશી કપૂર અને રાજ કપૂર સાથે કામ કરી રહી હતી.

અસલમાં આ ફિલ્મની શરૂઆત ૧૯૭૪ માં થઈ હતી અને ૧૯૮૨ માં રજૂ થઈ શકી હતી. એ ફિલ્મમાં કામ કરતા રાજજી આગામી ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ ની વાર્તા અને ‘રૂપા’ ની ભૂમિકા બાબતે સેટ પર બધાની સાથે ચર્ચા કરતાં હતા. એ સમય પર ઝીનતને રાજજીના નિર્દેશનમાં કામ કરવાની બહુ તમન્ના હતી.

એક દિવસ શુટિંગ પછી રાજજીએ ‘રૂપા’ના વર્ણન કરેલા પાત્ર મુજબ ઝીનત ઘાઘરા- ચોળી પહેરી એક બાજુનો ચહેરો ખરાબ દેખાય એ માટે ટીસ્યુ પેપર લગાવી આર.કે. સ્ટુડિયો પહોંચી ગઈ હતી. ઝીનતે ત્યાં માણસને કહ્યું કે રાજજીને કહો કે ‘રૂપા’ આવી છે. જ્યારે રાજજીએ ઝીનતને જોઈને પત્ની ક્રિષ્નાજીને બોલાવીને કહ્યું કે ‘રૂપા’ મળી ગઈ છે. અને સોનાના સિક્કા આપીને ‘સત્યમ શિવમ સુંદરમ’ ની હીરોઈન તરીકે ઝીનતને નક્કી કરી લીધી હતી. એ પછી રાજ કપૂરે નરગીસના ગીત ‘જાગો મોહન પ્યારે’ ગીત પર ભાનુ અથૈયાએ તૈયાર કરેલા કપડાંના બોલ્ડ લુકમાં ઝીનતની એક રીલ તૈયાર કરી અને વિતરકોને બતાવી.

રાજજીને શંકા હતી કે ઝીનતને પશ્ચિમી લુકમાં પસંદ કરવામાં આવશે કે નહીં. ઝીનતની એ રીલ જોઈને વિતરકોએ ફિલ્મ વિતરણ માટે હા પાડી દીધી હતી. ફિલ્મના ‘ચંચલ શીતલ નિર્મલ’ ગીતનો કિસ્સો પણ છે. આ ગીતમાં ઝીનત માટે રાજ કપૂરે શાસ્ત્રીય ડાન્સ કરવાનું રાખ્યું હતું. ઝીનત ગભરાઈ ગઈ હતી અને પોતાને ડાન્સ આવડતો ન હોવાનું કહ્યું હતું. ત્યારે રાજજીએ એનો ઉપાય કર્યો હતો. એમણે ડાન્સ માસ્ટર સોહનલાલને કહ્યું હતું કે ઝીનતને મુશ્કેલ ડાન્સ નહીં પણ માત્ર ડાન્સ મુદ્રાઓ શીખવો. અને ઝીનતે એ ગીતમાં એવી મુદ્રાઓ કરી કે યાદગાર બની ગયું.