નવી દિલ્હીઃ પતિ-પત્ની વચ્ચે તૂતૂમેંમેંના અને છૂટાછેડાના કેટલાય કિસ્સા તમે સાંભળ્યા હતા. કોઇકને પતિના ના નાહવાથી મુશ્કેલી હોય છે, તો કોઈકને પત્ની કરવા ચોથનું વ્રત ના રાખવાથી રંજ હોય છે. આગરા પોલીસ પાસે પતિ-પત્નીના છૂટાછેડાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક પતિને પત્નીના રાજકારણમાં વધુ સક્રિય રહેવાનું પસંદ નથી, જેથી તેણે છૂટાછેડા માટે અરજી કરી છે.
પોલીસ પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરી રહી છે. પતિનો આરોપ છે કે તેની પત્નીને રાજકારણનો શોખ છે. શહેરમાં પત્નીના હોર્ડિંગ અને પોસ્ટર લાગેલાં છે. પતિને પત્નીનું અજાણ્યા લોકોની સાથે ઊઠવું-બેસવું પસંદ નથી, એટલા માટે તેણે છૂટાછેડા માટે અરજી કરી છે.
બંને જણનાં લગ્ન બે વર્ષ પહેલાં થયાં હતાં. પતિ સિકંદરાનો રહેવાસી છે અને પત્ની ન્યુ આગરા ક્ષેત્રની છે. તેમને એક બાળક પણ છે, તેની પત્ની રાજકારણ અને સામાજિક કાર્યોમાં ભારે રસ ધરાવે છે. તેનું પ્રતિદિન કેટલાય લોકોથી મળવાનું રહે છે. પત્નીની વ્યસ્તતા પતિને બિલકુલ પસંદ નથી. એટલા માટે પતિ પત્નીને છૂટાછેડા આપી રહ્યો છે.
જોકે પોલીસ ત્રણ વખત બંને જણનું કાઉન્સેલિંગ કરી ચૂકી છે. પતિનું કહેવું છે કે જ્યાં સુધી પત્ની રાજકારણ નહીં છોડે, તે તેને ફરીથી નહીં અપનાવે, જ્યારે પત્ની રાજકારણમાં કેરિયર બનાવવા માગે છે અને તે કોઈ કિંમતે રાજકારણ છોડવા તૈયાર નથી.