નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટથી આંચકો લાગ્યો છે. કોર્ટે ED દ્વારા ધરપકડ અને હિરાસતને પડકાર આપતી અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ચુકાદો આપતાં કહ્યું હતું કે એ કેન્દ્ર સરકાર અને કેજરીવાલની વચ્ચેનો મામલો નથી. બલકે ED અને તેમની વચ્ચેનો મામલો છે. તેમની મની લોન્ડરિંગ મામલે એજન્સીએ ધરપકડ કરી છે. કોઈને પણ વિશેષાધિકાર ના આપી શકાય. EDની પાસે પર્યાપ્ત પુરાવા છે. તપાસમાં પૂછપરછથી મુખ્ય મંત્રીને રાહત ના આપી શકાય. જજ કાયદાથી બંધાયેલા છે, રાજકારણથી નહીં.
હાઇકોર્ટએ કહ્યું હતું કે ED દ્વારા એકત્ર કરવામાં આવેલી સામગ્રીથી માલૂમ પડે છે કે કેજરીવાલ સાઉથ ગ્રુપથી લાંચ માગવામાં સામેલ હતા. કોર્ટે કહ્યું હતું કે આ મામલે કેટલાંય નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં, જેમાં રાઘવ મુંગઠા અને શરત રેડ્ડીનાં નિવેદનો. હાઇકોર્ટે કહ્યું હતું કે અપ્રુવરનું નિવેદન ED નહીં, બલકે કોર્ટ લખે છે. જો તમે તેના પર સવાલ ઊભા કરો છો તો તમે જજ પર સવાલ ઉઠાવી રહ્યા છો. રેડ્ડીના નિવેદનને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેજરીવાલની પાસે એ અધિકાર છે કે તેઓ સાક્ષીઓને ક્રોસ કરી શકે, પણ નીચલી કોર્ટમાં નહીં કે હાઇકોર્ટમાં. તપાસ કોઈ વ્યક્તિની સુવિધાને અનુસાર ના ચાલી શકે. તપાસ દરમ્યાન એજન્સી કોઈના પણ ઘરે જઈ શકે.
આ પહેલાં લિકર કેસમાં એક સપ્તાહમાં કોર્ટે બે ચુકાદા આપ્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટે આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને રાહત મળી છે અને જામીન મળી ગયા છે, જ્યારે BRS નેતા કે. કવિતાની જામીન અરજીને ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી.