શિયાળુ સત્ર પહેલાં સરકાર સંસદનું વિશેષ સેશન બોલાવવાની તૈયારીમાં

નવી દિલ્હીઃ આ મહિને જ સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે એવી શક્યતા છે. સરકાર સીમાંકન અને મહિલા અનામત સાથે સંબંધિત બંધારણીય સુધારા વિધેયકો પસાર કરાવવા માટે આ સેશન બોલાવે એવી શક્યતા છે. સરકારે હજુ સુધી ચોમાસુ સત્રનું ઔપચારિક સમાપન કર્યું નથી. સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોનો દાવો છે કે આ મહત્વપૂર્ણ વિધેયકો પસાર કરાવવા માટે જરૂરી સંખ્યાબળ સરકાર પાસે છે. આ મુદ્દે કેટલાક નાના વિપક્ષી પક્ષોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

વિપક્ષી પક્ષો સાથે સંપર્ક

સૂત્રોનું કહેવું છે કે સરકાર માત્ર કેટલાક સહયોગી પક્ષો સાથે જ નહીં, પરંતુ વિપક્ષના કેટલાક નાના પક્ષો સાથે પણ વાતચીત કરી રહી છે. માનવામાં આવે છે કે સીમાંકન અને મહિલા અનામતને મુદ્દે વ્યાપક રાજકીય સહમતી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ચોમાસુ સત્રનું ઔપચારિક સમાપન થયું નથી

કેન્દ્ર સરકારે હજુ સુધી સંસદના ચોમાસુ સત્રનું ઔપચારિક સમાપન કર્યું નથી. આ કારણે વિશેષ સત્ર બોલાવવાની સંભાવનાને વધુ બળ મળી રહ્યું છે. સંસદીય પ્રક્રિયાના જાણકારો આને સંભવિત વિશેષ સત્રની તૈયારીના સંકેત તરીકે જોઈ રહ્યા છે.

બ્રિક્સ સંસદીય મંચને ધ્યાનમાં રાખીને નક્કી થશે તારીખો

સૂત્રોના જણાવ્યાનુસાર 26 અને 27 ઓક્ટોબરે બંધારણ સદનમાં યોજાનારા 12મા બ્રિક્સ સંસદીય મંચને ધ્યાનમાં રાખીને વિશેષ સત્રની તારીખો નક્કી કરવામાં આવી શકે છે. સરકાર આ આંતરરાષ્ટ્રીય સંસદીય કાર્યક્રમના સમયપત્રકને ધ્યાનમાં રાખીને સત્રનું કેલેન્ડર અંતિમ સ્વરૂપ આપી શકે છે. સૂત્રોનું કહેવું છે કે જો વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લેવામાં આવશે, તો સાંસદોને લગભગ એક સપ્તાહ અગાઉ નોટિસ આપવામાં આવી શકે છે.

ડીએમકે સાથે પણ વાતચીત

સૂત્રોના જણાવ્યાનુસાર આ વખતે સરકાર દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે ડીએમકે સાથે પણ વાતચીત કરી રહી છે. તામિલનાડુની ચૂંટણી બાદ ડીએમકે કોંગ્રેસથી અલગ થઈને ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર નીકળી હોવાના અહેવાલો વચ્ચે આ સંપર્ક શરૂ થયો હોવાનું જણાવવામાં આવે છે.