નવી દિલ્હીઃ દિલ્હીના કોનોટ પ્લેસમાં CJP દ્વારા જાહેર કરવામાં આવેલા તિરંગા પ્રદર્શનને લઈને સુપ્રીમ કોર્ટે તાત્કાલિક નિર્દેશો જારી કરવાનો ઇનકાર કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માગ કરતાં એડવોકેટ જય અનંત દેહાદ્રાઈએ વેપારીઓને થઈ શકે તેવા સંભવિત નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે જો વેપારને નુકસાન થશે, તો અમે અમારા અધિકારનો ઉપયોગ કરીશું.
CJIએ શું કહ્યું?
આ મામલાની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે (CJI) કહ્યું હતું કે અમને આશા છે કે બધા લોકો સમજદારીથી કામ લેશે. તેમણે નાની દુકાનો સાથે સંકળાયેલા વેપારીઓની આજીવિકાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આવી પરિસ્થિતિમાં આખા પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
આ સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ કહ્યું હતું કે કોઈ વિરોધ પ્રદર્શન કરવા માગે છે, કોઈ મગફળી વેચવા માગે છે અને કોઈ કાયદો-વ્યવસ્થા જાળવવા માગે છે. આ તમામ પાસાં એકબીજા સાથે જોડાયેલાં છે. તેમણે કહ્યું હતું કે જો વેપારને નુકસાન થશે, તો કોર્ટ પોતાના બંધારણીય અધિકાર ક્ષેત્ર હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થશે, ત્યારે તેના પર વિચાર કરીશું.

NMDCએ સેન્ટ્રલ પાર્ક બંધ કર્યો, વેપારને અસર થવાની આશંકા
એડવોકેટ જય અનંત દેહાદ્રાઈએ કોર્ટને જણાવ્યું કે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NMDC)એ મોડી રાત્રે સેન્ટ્રલ પાર્ક બંધ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે આશંકા વ્યક્ત કરી કે આ નિર્ણયથી વેપારી પ્રવૃત્તિઓને અસર થશે અને વેપારીઓને નુકસાન થઈ શકે છે. આ અંગે જસ્ટિસ બાગચીએ કહ્યું કે જો લેવામાં આવેલાં પગલાં અપ્રમાણસર જણાશે તો સુપ્રીમ કોર્ટ પાસે જાહેર કાયદા અને વળતર સંબંધિત અધિકાર ક્ષેત્ર હેઠળ પૂરતી સત્તાઓ છે.
ખાન માર્કેટ ટ્રેડર્સ એસોસિયેશને અરજી દાખલ કરી
ખાન માર્કેટ ટ્રેડર્સ એસોસિયેશને રસ્તાઓ અને મેટ્રો સ્ટેશનો બંધ કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. વેપારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે વિરોધ પ્રદર્શનને કારણે અવરજવરને અસર થવાથી અને જાહેર સ્થળો બંધ કરવાથી વેપારને નુકસાન થઈ શકે છે.






