ટેલિકોમ ક્ષેત્રે ચીની ઉપકરણો પર લગામની શક્યતા

નવી દિલ્હીઃ ચીનની 59 એપ પર ભારતમાં પ્રતિબંધ પછી સરકાર 4G અને વાઇફાઇ નેટવર્ક વિસ્તરણમાં માત્ર સ્વદેશી ઉપકરણોના ઉપયોગનો નિયમ લાવે એવી શક્યતા છે. ટેલિકોમ ક્ષેત્રમાં ચીનથી આયાતી ઉપકરણોના ઉપયોગનો મર્યાદિત ઉપયોગ કરવા માટે સરકાર આ નિયમ લાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. દેશના ઔદ્યોગિક સંગઠનોએ પણ સરકારને ટૂંક સમયમાં આ માપદંડોને લાગુ કરવાની માગ કરી છે. હાલમાં સરકારે સોલર વીજળી માટે ચીનનાં ઉપકરણોના ઉપયોગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ટેલિકોમ ક્ષેત્રમાં ચીનનાં ઉપકરણના ઉપયોગથી ડેટા સુરક્ષા અને સાઇબર સુરક્ષાને લઈને પહેલેથી જ સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે.  

મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્ય

સૂત્રોના જણાવ્યાનુસાર 4G નેટવર્ક અને વાઇફાઇ વિસ્તારથી જોડાયેલા ટેન્ડરમાં બે પ્રકારના માપદંડો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ટેન્ડરમાં 70 ટકા કામ એ કંપનીઓને આપવામાં આવે એવી શક્યતા છે, જેનાં ઉપકરણ મેક ઇન ઇન્ડિયા હેઠળ બનેલાં છે. સૂત્રોના જણાવ્યાનુસાર જો કોઈ વિદેશી કંપનીમાં ભારતમાં યુનિટ લગાવીને ઉપકરણનું એસેમ્બલિંગ પણ કરે છે તો એને મેક ઇન ઇન્ડિયા માની લેવામાં આવશે. 30 ટકા કામ એ કંપનીઓ માટે અનામત છે, જેનાં ઉપકરણ સંપૂર્ણ રીતે ભારતમાં ડિઝાઇન થવા સાથે દેશમાં વિકસિત કરવામાં આવ્યાં હોય અને ઉત્પાદિત થયાં હોય.

સરકાર ચીનનાં ઉપકરણોના ઉપયોગને સંપૂર્ણ રીતે સીમિત કરવાના પક્ષમાં

ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓ પ્રમાણે અત્યાર સુધી 3G, 4G  અને વાઇફાઇ નેટવર્કથી જોડાયેલાં ટેન્ડરમાં આ પ્રકારની શરતો રાખવામાં આવતી હતી, જેથી સ્થાનિક કંપનીઓ ટેન્ડરમાં ભાગ નહોતી લઈ શકતી.

પરિણામસ્વરૂપ ZTE, સિસ્કો, એરિક્શન અને હુઆવે જેવી વિદેશી કંપનીઓ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં હાવી થતી ગઈ. BSNLના 4G વિસ્તારથી જોડાયેલાં ટેન્ડરમાં ચીનની કંપનીઓને અટકાવવાના નિર્ણયથી એ સ્પષ્ટ થયું છે કે સરકાર ટેલિકોમ ક્ષેત્રમાં ચીનનાં ઉપકરણોના ઉપયોગને સંપૂર્ણ રીતે સીમિત કરવાના પક્ષમાં છે.

ચીની ઉપકરણોની આયાત પર તત્કાળ પ્રતિબંધ લગાવવાની માગ

ઔદ્યોગિક સંસ્થા PHD ચેમ્બરે વાઇફાઇ, રાઉટર અને 4Gથી સંલગ્ન ચીની ઉપકરણોની આયાત પર તત્કાળ પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.  સરકાર દ્વારા આ દિશામાં સકારાત્મક નિર્ણય લેવાનો વિશ્વાસ અપાવવામાં આવ્યો છે. વર્તમાનમાં ભારત ઓપ્ટિકલ ફાઇબર કેબલ અને અન્ય પ્રકારનાં ટેલિકોમ કેબલના ઉત્પાદનમાં સંપૂર્ણ રીતે સક્ષમ છે.

આવું એટલા માટે શક્ય બની શક્યું, કેમ કે પ્રારંભમાં કેબલ બનાવતી નાની-નાની કંપનીઓને સરકારી ટેન્ડરમાં હિસ્સો લેવાની તક આપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યનુસાર સરકાર ફરીથી આ પ્રકારનો નિયમ લાવે એવી શક્યતા છે, જેના હેઠળ ટેલિકોમ ઉપકરણ બનાવતી સંપૂર્ણ રીતે ભારતીય કંપનીને ટેન્ડરમાં ભાગ લેવાની તક મળી શકે.