નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર રોગચાળાના બચાવ માટે લગાવવામાં આવતા કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર ટૂંક સમયમાં ઘટાડે એવી શક્યતા છે, પણ આ વખતે એ માત્ર 45 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે હશે. એ માટેનો નિર્ણય બેથી ચાર સપ્તાહમાં લેવામાં આવશે, એમ ડો. એનકે અરોરાએ કહ્યું હતું. એ નિર્ણય અંતિમ વૈજ્ઞાનિક પુરાવાને આધારે લેવામાં આવશે.
નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI)એ વૈજ્ઞાનિક ડેટાની સમીક્ષા કર્યા પછી એક મહિનાની અંદર એ અંતર વિશે નિર્ણય લેવાના સંકેત આપ્યા છે. NTAGIની મીટિંગ આવતા સપ્તાહે થવાની છે.
કોરોના રસીકરણની વચ્ચે અભ્યાસથી માલૂમ પડે છે કે ડેલ્ટા વેરિયેન્ટ માટે કોવિશિલ્ડ યોગ્ય વિકલ્પ છે. મેમાં સરકારે NTAGIની ભલામણને આધારે કોવિશિલ્ડની રસીના બે ડોઝ વચ્ચેના અંતરને આઠ સપ્તાહથી વધારીને 12-16 સપ્તાહ કરી દીધું હતું. NTAGIએ એ પણ કહ્યું હતું કે જે કોઈ વ્યક્તિને SARS-CoV-2ની બીમારી સાબિત થઈ છે, તેમણે કોરોનાની રસીને ટાળવી જોઈએ.