‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’નું નવું નામ ‘મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ’

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનાં પુરુષો અને મહિલાઓ, બંનેની હોકી ટીમે કરેલા શાનદાર દેખાવથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ પ્રભાવિત થયા છે અને જાહેરાત કરી છે કે દેશના ખેલકૂદ મહારથીઓને અપાતો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હવેથી દેશના દંતકથાસમાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ ખેલરત્ન તરીકે ઓળખાશે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનાર રમતવીરને રૂ. 25 લાખનું ઈનામ આપવામાં આવે છે.

વડા પ્રધાન મોદીએ આજે ટ્વીટ કરીને જણાવ્યું કે ખેલ રત્ન એવોર્ડ હવેથી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે. દેશભરના નાગરિકોની લાગણીને માન આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવોર્ડને મેજર ધ્યાનચંદનું નામ આપવાની તેમને દેશભરમાંથી ઘણા નાગરિકો તરફથી વિનંતી કરવામાં આવી રહી હતી. હું એ સૌનો તેમણે આપેલા અભિપ્રાયો બદલ આભાર માનું છું.