મુંબઈઃ G-20ના ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપના પ્રતિનિધિઓએ મંગળવારે મુંબઈમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની પ્રગતિને વેગ આપવા અંગે ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકની શરૂઆત વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાના એક વિડિયો મેસેજથી થઈ હતી. આ ચર્ચાઓમાં ઉચ્ચ-સ્તરીય સિદ્ધાંતો, ખાદ્ય, ઊર્જા અને નાણાકીય બજારોમાં પ્રવર્તમાન વિક્ષેપોની તાત્કાલિક વિકાસ અસરોને સમાવિષ્ટ કરવામાં આવી હતી. આ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની પ્રગતિમાં વેગ લાવવા માટે, પર્યાવરણ માટે જીવનશૈલી અને વિકાસ માટે ડેટા સંબંધિત ભારતની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠકમાં ઓછામાં ઓછા વિકાસશીલ દેશો અને નાના ટાપુવાળા વિકાસશીલ રાજ્યોની ફ્લેક્સિબિલિટીમાં સુધાર, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની અને બહુપક્ષી વિકાસ બેંકોની ભૂમિકા અને અસરકારક ઉકેલ માટે G-20 ફાઇનાન્સ ટ્રેક સાથે સમન્વય સાધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
📣 1st #G20 Development Working Group Meeting commences in Mumbai today!
Here is a look at India’s approach to the global developmental agenda and its commitment to ensure that no one is left behind. #G20India #G20DWG @MEAIndia pic.twitter.com/BAPx7AAjJW
— G20 South Africa (@g20org) December 14, 2022
આ ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક માટે મુંબઈ આવાનારા પ્રતિનિધિઓ મહારાષ્ટ્રની સંસ્કૃતિ, પરંપરા અને વારસાનું પ્રદર્શન નિહાળીને રોમાંચિત થયા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમો પછી ઘણા પ્રતિનિધિઓએ સ્વીકાર્યું હતું કે મુંબઈએ G-20 ઇન્ડિયાના ઉત્સાહને વધારી દીધો છે.
આ ઇવેન્ટ્સમાં પહોંચેલા પ્રતિનિધિઓનું શંખનાદથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનોએ સિતાર, તબલાં અને વાંસળીના લાઇવ પર્ફોર્મન્સની પણ પ્રશંસા કરી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમ મુંબઈ બેઠકના મુખ્ય આકર્ષણોમાંનો એક હતો. ગિરગાંવ ચોપાટી પર ઢોલ-નગારાં અને પારંપરિક મહારાષ્ટ્રિયન ડાન્સ ગ્રુપ દ્વારા પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળ પર G-20ના મહેમાનોને મરાઠી પાઘડી પહેરાવીને તેમનું પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું હતું. એ પછી ગેટવે ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓએ પુણેરી ઢોલનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું.