લખનૌઃ દેશઆખામાં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે ઊજવવામાં આવ્યો, પણ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક એવું ગામ છે, જ્યારે રક્ષાબંધનનો તહેવાર છેલ્લાં 300 વર્ષથી નથી ઊજવવામાં આવ્યો.
રાજ્યના સંભલ જિલ્લાના બેનીપુર ગામના લોકોને રક્ષાબંધનનું નામ સાંભળતા ડર લાગવા માંડે છે. અહીં રક્ષાબંધન નહીં ઊજવવાની પરંપરા આશરે 300 વર્ષથી ચાલતી આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે બહેનોને છોડીને ગામની વહુઓ પણ પોતાના પિયરે ભાઈઓને રાખડી બાંધવા નથી જતી. આ ગામના ભાઈઓને ડર લાગે છે કે ક્યાંક રાખડી બાંધીને બહેનો તેમની સંપત્તિ ના માગી લે. પૂર્વજોના જમાનાથી ચાલી આવતી આ પરંપરા ગામમાં આજે પણ કાયમ છે. બધા લોકો એનું બખૂબી પાલન પણ કરે છે.
સંભલ જિલ્લાથી આદમપુર માર્ગ પર આશરે પાંચ કિમીના અંતે બેનીપુર ગામ છે. સમયની સાથે આ ગામ પણ આધુનિકતા સાથે કદમ મિલાવી રહ્યું છે, તેમ છતાં રક્ષાબંધન ના ઊજવવાની 300 વર્ષ જૂની પરંપરા હજી પણ છે. ગામના લોકો રાખડી જોઈને દૂર ભાગે છે. ગામના વડીલોનું કહેવું છે કે એક રાખડીને કારણે તેમના પૂર્વજે પોતાની સંપૂર્ણ સંપત્તિ ગુમાવવી પડી હતી.
ગામના લોકોના જણાવ્યાનુસાર તેમના પૂર્વજ પહેલાં રાજ્યના અલીગઢ જિલ્લાના અતરૌલી પોલીસ સ્ટેશનના ગામ સેમરીમાં રહેતા હતા. ગામમાં યાદવ અને ઠાકુર સમાજના પરિવાર રહેતા હતા અને બંને સમાજના લોકોમાં પ્રેમભાવ હતો. બંને સમાજોમાં યુવક-યુવતીઓ આપસમાં રાખડી બાંધતા હતા, પણ એક વાર રાખડીના બદલામાં યાદવ પરિવાર ઠાકુર સમાજની પુત્રીને બધી મિલકત આપી ચૂક્યો હતો. આ એક મહાદાન છે. આ મહાદાન પછી નાનું દાન કરવું અમારી શાખની વિરુદ્ધ છે. જેથી પછી અહીં તહેવાર નથી ઊજવવામાં આવતો, એમ એક વડીલે જણાવ્યું હતું.