નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટ સહિત છ હાઇકોર્ટોમાં રવિવારે નવા ચીફ જસ્ટિસોની નિયુક્તિ કરવામાં આવી હતી. લો અને જસ્ટિસ મંત્રાલયે ટ્વીટ કરીને આ નિયુક્તિઓ વિશે માહિતી આપી હતી. આ છ હાઇકોર્ટોમાંથી પાંચ હાઇકોર્ટોમાં જસ્ટિસોને પ્રમોશન આપીને મુખ્ય જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા, જ્યારે તેલંગાણા હાઇકોર્ટના મુખ્ય જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માને ટ્રાન્સફર કરીને તેમને દિલ્હી હાઇકોર્ટના મુખ્ય જસ્ટિશ બનાવવામાં આવ્યા છે. દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ વિપિન સાંઘીને ઉત્તરાખંડ હાઇકોર્ટના મુખ્ય જસ્ટિસ બનાવવામાં આવ્યા છે.
આ જ રીતે બોમ્બે હાઇકોર્ટના જસ્ટિશ અમજદ એ. સૈયદને હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય જસ્ટિસ નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુંબઈ હાઇકોર્ટના જસ્ટિસ એસ. એસ. શિંદેને રાજસ્થાન હાઇકોર્ટના મુખ્ય જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ રશ્મિન એમ. છાયાને ગુવાહાટી હાઇકોર્ટના મુખ્ય જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. તેલંગાણા હાઇકોર્ટમાં હાલના જસ્ટિસ ઉજ્જલ ભુઇયાંને પ્રમોશન આપીને ત્યાંના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે.
જસ્ટિસ ડી. એન. પટેલ નિવૃત્ત થયા પછી દિલ્હી હાઇકોર્ટમાં નિયમિત મુખ્ય જસ્ટિસ નહોતા. તેઓ 13 માર્ચથી વિપિન સાંઘી કાર્યવાહક મુખ્ય જસ્ટિસ તરીકે કાર્ય કરી રહ્યા હતા.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રામન્નાની અધ્યક્ષતાવાળા કોલોજિયમે છ હાઇકોર્ટોમાં મુખ્ય જસ્ટિસનાં નામોની ભલામણ મોકલ્યા પછી કેન્દ્રએ આ નોટિફિકેશન બહાર પાડ્યું હતું.