ચંડીગઢઃ હરિયાણામાં CM મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપ્યું છે. તેમની સાથે મંત્રી મંડળે પણ રાજીનામું આપ્યું છે. રાજ્યમાં હવે ભાજપ એકલે હાથે સરકાર બનાવશે. મુખ્ય પ્રધાને વિધાનસભ્યોના જૂથ સાથે મીટિંગ કરી હતી અને એ પછી તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરી હતી.તેમની સાથે ગૃહ મંત્રી પણ હતા.
નવી સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ આજે બપોરે એક કલાકે થશે. આ પહેલાં વિધાનસભ્યોના સાથે તેમની બેઠક થશે. એમાં અર્જુન મુંડા અને તરુણ ચુગ સમીક્ષક તરીકે હાજર રહેશે. આ બેઠકમાં નવા CMના નામનું એલાન થશે. નવા CMની રેસમાં નાયબ સૈની અને સંજય ભાટિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. બંને જાટ નેતા નથી અને બંને સાંસદ છે. હવે ખટ્ટરને લોકસભા ચૂંટણી લડાવવામાં આવે એવી શક્યતા છે.
હરિયાણાના સિરસાથી વિધાનસભ્ય અને લોકહિત પાર્ટીના અધ્યક્ષ ગોપાલ કાંડાએ કહ્યું હતું કે આ ગઠબંધન (ભાજપ અને JJP) તૂટી ચૂક્યું છે.બધા અપક્ષ વિધાનસભ્યો ભાજપને ટેકો આપવાનું ચાલુ રાખશે.હરિયાણા વિધાનસભામાં 90 સભ્યો છે અને બહુમતનો આંકડો 46 છે. રાજ્યમાં ભાજપના 41 વિધાનસભ્યો છે. ભાજપ સાથે છ અપક્ષ વિધાનસભ્યોનો ટેકો છે. JJPથી અલગ થવા પર ભાજપનું સમર્થન 48 છે. JJP પાસે 10 વિધાનસભ્યો છે. કોંગ્રેસ પાસે 30 વિધાનસભ્યો છે. ઇન્ડિયન નેશનલ લોકદળ એક (અભય ચોટાલા), હરિયાણા લોકહિત પાર્ટી-એક (ગોપાલ કાંડા) અને નિર્દલીય- એક ( બલરાજ કુંડુ) વિધાનસભ્ય છે.