તેજસ્વી બિહારના CM? નીતીશકુમાર 2024માં PM ઉમેદવાર?

પટનાઃ બિહારના રાજકારણમાં ફરી ઊથલપાથલ મચી ગઈ છે. નીતિશકુમાર એનડીએમાં અસહજતા અનુભવી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય જનતા દળે (RJDએ) બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર પાસે એક પ્રસ્તાવ મૂક્યો છે. આરજેડીના વરિષ્ઠ નેતા ઉદય નારાયણ ચૌધરીએ પ્રસ્તાવ મૂક્યો છે કે તેજસ્વી યાદવને નીતીશકુમાર મુખ્ય પ્રધાન બનાવે અને પોતે 2024ની સામાન્ય ચૂંટણીમાં મહાગઠબંધનના વડા પ્રધાનપદના ઉમેદવાર બને.  

ભાજપ-જેડીયુના સંબંધોમાં ખટાશની વચ્ચે ચૌધરીની આ પ્રતિક્રિયા આવી રહી છે. જેડીયુએ ભાજપ પર આરોપ મૂક્યો છે કે અરુણાચલ પ્રદેશમાં પાર્ટીના છ વિધાનસભ્યોને ભગવા પાર્ટીમાં સામેલ કરીને એણે ગઠબંધન ધર્મનું પાલન નથી કર્યું અને ભાજપ નેતાઓ દ્વારા લવ જેહાદવિરોધી કાનૂન બનાવવાની માગને ફગાવી દીધી છે.

ચૌધરીએ કહ્યું છે કે આરજેડી નેતા ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ભાજપ નીતીશકુમાર પર હક જમાવી રહી છે.

આરજેડીના વરિષ્ઠ નેતાએ આ પ્રસ્તાવ પર ખૂલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ રાજ્યમાં મોટા પક્ષના રૂપમાં ઊભર્યો છે. એ ગઠબંધનના સહયોગીઓથી મુક્તિ મેળવવા ઇચ્છે છે. ભાજપ જાણીબૂજીને એવા પ્રસ્તાવ લાવી રહ્યો છે, જેથી એને એના સહયોગીઓથી મુક્તિ મળે.

બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી સુશીલકુમાર મોદી જે હવે બિહારથી રાજ્યસભાના સભ્ય છે, તેમણે કહ્યું હતું કે તેમણે ભાજપ અને જેડીયુ વચ્ચે કોઈ ખટરાગ નથી અને બંને પક્ષો વચ્ચે મજબૂત ગઠબંધન છે અને અતૂટ છે. અરુણાચલ પ્રદેશ પ્રકરણની બિહારમાં કોઈ અસર નહીં પડે.