નવી દિલ્હીઃ સંદેશખાલી મામલામાં પશ્ચિમ બંગાળને મોટો આંચકો લાગ્યો છે. રાશન કૌભાંડ, યૌન ઉત્પીડન અને જમીન હડપવાના મામલે કોલકાતાના આદેશને પડકારનારી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 42 કેસોને CBIને ટ્રાન્સફર કરવાના હાઇકોર્ટના ચુકાદાને યથવત્ રાખ્યા છે.
સંદેશખાલી મામલામાં કોલકાતા હાઇકોર્ટ દ્વારા CBI તપાસ કરાવવાના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલી રાજ્ય સરકારની અરજી પર સુનાવણી થઈ હતી. પશ્ચિમ બંગાળની સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે 43 FIR રાશન કૌભાંડમાં દાખલ કરવામાં આવી છે. રાજકીય કારણોસર એને વધારીને બતાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મમતા સરકારને પૂછ્યું હતું કે રાજ્ય સરકાર કેમ કોઈને બચાવવાના પ્રયાસ કરી રહી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોલકાતા હાઇકોર્ટની ટિપ્પણીઓને તપાસ પ્રભાવિત નહીં થાય. આ મામલે સુનાવણી કરતાં કલકત્તા હાઇકોર્ટે મમતા સરકારને આંચકો આપતાં સંદેશખાલી કેસની CBI તપાસ કરવાનો ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે તપાસની નિગરાની ખુદ કલકત્તા હાઇકોર્ટ કરશે. આ ચુકાદાની વિરુદ્ધ મમતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
શું છે સંદેશખાલી કેસ?
CBI સંદેશખાલીમાં પાંચ જાન્યુઆરીએ EDના અધિકારીઓ પર થયેલી હુમલાની તપાસ કરી રહી છે. TMC નેતા શેખ શાહજહાંના ઘરે રાશન કૌભાંડ દરોડા પાડીને ED અધિકારીઓ પર ભીડે હુમલો કરી દીધો હતો. આરોપ છે કે શાહજહાં શેખના ઇશારે તપાસ એજન્સીના અધિકારીઓ પર હુમલો કર્યો હતો. શાહજહાં અને તેના સાથીઓએ મહિલા ઉત્પીડન અને જમીન હડપવાના પણ આરોપ છે. વિવાદ વધતાં TMCએ શાહજહાંને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
