નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિતોના સંગઠન રૂટ ઇન કાશ્મીર તરફથી અમિત રૈનાએ અરજીમાં કહ્યું હતું કે આર્ટિકલ 370ને દૂર કરવા અરજી દાખલ કરનાર મોહમ્મદ અકબર લોન જમ્મુ-કાશ્મીરમાં સક્રિય અલગાવવાદીના ટેક્દાર રૂપે જોવાય છે. જે પાકિસ્તાનનું સમર્થન કરે છે. તેઓ નેશનલ કોન્ફરન્સથી સંસદ સભ્ય છે. તેઓ 2002થી 2018 સુધી વિધાનસભાના સભ્ય હતા અને તેમણે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પાકિસ્તાન જિંદાબાદ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.
સુપ્રીમ કોર્ટના CJIએ કહ્યું છે કે જ્યારે તેઓ આ કોર્ટના અધિકાર ક્ષેત્રનો હવાલો આપે છે, ત્યારે અમે તેમનાથી જાણવા ઇચ્છીએ છીએ કે શું તેઓ માને છે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે? શું તેઓ ભારતની અખંડિતતાનો સ્વીકાર કરે છે. એના જવાબમાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે જો તેમણે એવું કહ્યું છે, તો સોગંદનામું માગો.
CJIએ કહ્યું હતું કે અમારી ધારણા છે કે તેઓ સોગંદનામું દાખલ કરશે. કપિલ સિબ્બલે કહ્યું હતું કે હું તેમના પક્ષમાં કે તેમણે જે કહ્યું છે એ બાજુ નથી ઊભો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે લોને સુપ્રીમ કોર્ટ પાસે માફી માગવી જોઈએ. તેમણે બંધારણ પ્રત્યે નિષ્ઠા જણાવતા એક સોગંદનામું દાખલ કરવું જોઈએ. તેમણે જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી અને આતંકવાદી કામગીરીની નિંદા કરવી જોઈએ. તેઓ સંસદના સભ્ય છે અને તેમણે જવાબદારીથી કામ કરવું જોઈએ.
