ઐતિહાસિક ઘટનાઃ સુપ્રીમ કોર્ટના 4 જજે કહ્યું ન્યાયતંત્રમાં સીજેઆઈનું પ્રશાસન ઠીક નથી

નવી દિલ્હીઃ આજે સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં અસામાન્ય એવી ઘટના બની છે. સુપ્રીમ કોર્ટના 4 સીટિંગ જજ દ્વારા બાકાયદા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી.. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા-સીજેઆઈ પછીના સૌથી સીનિયર જજ ચેલમેશ્વર, જજ રંજન ગોગોઇ, જજ મદન લોકુર અને જજ કુરિયન જૉસેફ દ્વારા પ્રેસ બોલાવવામાં આવી હતી.આ જજોએ જણાવ્યું કે એવું બને છે કે દેશમાં સુપ્રીમ કોર્ટની પણ વ્યવસ્થા બદલાય છે. સુપ્રીમ કોર્ટનું પ્રશાસન યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું. આવું ચાલશે તો લોકતાંત્રિક પરિસ્થિતિ ઠીક નહીં રહે. અમે સીજેઆઈ સાથે આ મુદ્દે વાત કરી પરંતુ તેમણે અમારી વાત ધ્યાને લીધી નથી. જો અમે દેશ સમક્ષ આ વાતો નહીં મૂકીએ અને અમે નહીં બોલીએ તો લોકતંત્ર સમાપ્ત થઇ જશે. અમે ચાર જજોએ ચાર મહિના પહેલાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો હતો જે પ્રશાસન વિશે હતો જેમાં અમે કેટલાક મુદ્દા ઉઠાવ્યાં હતાં.

સીજેઆઈ પર દેશે નિર્ણય કરવો જોઇએ. અમે દેશનું કર્જ અદા કરી રહ્યાં છીએ. અમે નથી ઇચ્છતાં કે અમારા પર ભવિષ્યમાં વીસ વર્ષ પછી કોઇ આરોપ લાગે.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશેએ જણાવેલી આ વાતોથી ભારે વિવાદની ભૂમિકા બંધાઇ ગઇ છે. પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું તેઓએ સીજેઆઈને પત્ર કયા મુદ્દે લખ્યો હતો તેના જવાબમાં જજ કુરિયન જૉસફે જણાવ્યું તે તે એક કેસના એસાઇન્ટમેન્ટને લઇને હતો. જસ્ટિસ લોયાના સંદિગ્ધ મોત સંદર્ભે આ મામલો હોવાનું પત્રકારો દ્વારા પૂછવામાં આવતાં જજોએ હા કહી હતી.

સીજેઆઈને લખાયેલો એ પત્ર મીડિયાને પણ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. તે સાથે જ પૂરો મામલો સ્પષ્ટ થઇ જશે કે કયા મામલે આ ચાર જજના સીજેઆઈ સાથે મતભેદ છે. જજ ચેલમેશ્વરે કહ્યું કે વીસ વર્ષ બાદ કોઇ અમને એમ ન કહે તે અમે અમારો આત્મા વેચી દીધો હતો.  તેમણે સીજેઆઈ પર મહાભિયોગ ચલાવવાના પૂછાયેલાં પ્રશ્ન અંગે કહ્યું કે અમારા પત્ર પર દેશે વિચાર કરવાનો છે અને સીજેઆઈ સામે મહાભિયોગ લાવવામાં આવે કે નહીં તે પણ દેશે નક્કી કરવાનું છે.

દેશના અને સુપ્રીમના ઇતિહાસમાં આ ઘટના એટલે પણ  અભૂતપૂર્વ બની છે સામાન્ય રીતે ઉચ્ચ અદાલતોના જજ  મીડિયા સમક્ષ પ્રસૂત થતાં નથી અને સાવ્રજનિક મુદ્દાઓ પર ન્યાયતંત્રનો પક્ષ મુખ્ય ન્યાયાધીશ જ મૂકે છે. ઉલ્લેખનીય છે કે હાલના સીજેઆઈ દીપક મિશ્રા અને બીજાનંબરના સીનિયર જજ ચેલમેશ્વર વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]