નવી દિલ્હીઃ ગુજરાતના ગોધરામાં 2002માં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવનારા આઠ દોષીઓને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. જેથી ઉંમરકેદની સજા ભોગવી રહેલા લોકોને કોર્ટમાંથી રાહત મળી છે. આ બધા દોષી 17થી 20 વર્ષની સજા ભોગવી ચૂક્યા છે. જોકે સુપ્રીમ કોર્ટે ચાર દોષીઓને હાલમાં જામીન આપવાથી ઇનકાર કરી દીધો હતો. નીચલી કોર્ટે ફાંસીની સજા આપી હતી, પણ ત્યાર બાદ હાઇકોર્ટે ઉંમરકેદમાં ફેરવી કાઢી હતી.
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી. એસ. નરસિંહાની બેન્ચે ગોધરા મામલામાં દોષીઓના જામીન મામલે નિર્ણય કર્યો હતો. જામીન મેળવનારા આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે જામીનની શરતો પૂરી કરીને બાકીના લોકોને જામીન પર છોડવામાં આવે. દોષીઓના વકીલ સંજય હેગડેએ ઇદને ધ્યાનમાં રાખીને જામીન પર છોડવા માટે અપીલ કરી હતી.
ઘટના શું હતી?
સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાડીને 59 લોકોને જીવતા સળગાવી માર્યાના મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા અબ્દુલ રહેમાન ધંતિયા, અબ્દુલ સત્તાર ઇબ્રાહિમ ગદ્દી સહિત 27 દોષી તરફથી દાખલ થયેલી જામીન અરજી પર સુનાવણી કરી હતી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે આ માત્ર પથ્થરમારો મામલો નથી. દોષીઓએ સાબરમતી એક્સપ્રેસની એક બોગીને બંધ કરી દીધી હતી. જેનાથી ટ્રેનમાં સવાર 59 યાત્રીઓનાં મોત થયાં હતાં અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.