સુપ્રીમે પુરાવાના અભાવે 1984 શીખ રમખાણોના 9 દોષિતોને છોડી મૂક્યાં

નવી દિલ્હી- 1984 શીખ વિરોધી રમખાણોના 9 દોષિતોને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમે આ તમામ 9 લોકોને મુક્ત કરી દીધી છે. આ લોકો પૂર્વ દિલ્હીના ત્રિલોકપુર વિસ્તારમાં શીખ વિરોધી રમખાણો ભડકાવવાના આરોપમાં દોષિત હતાં. પરંતુ હવે દોષિતો વિરુદ્ધ પુરાવા નહીં હોવાને કારણે સુપ્રીમ કોર્ટે આ આરોપીઓને છોડી મૂક્યાં છે.

ગત વર્ષે નવેમ્બરમાં દિલ્હી હાઇકોર્ટે 1984 શીખ વિરોધી રમખાણોમાં લગભગ 83 લોકોને દોષિત ઠેરવ્યાં બાદ 5 વર્ષની જેલની સજા સંભળાવી નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ત્યાર બાદ દોષિતોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતાં. સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું કે, આ લોકો વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને સાક્ષીઓ પણ દોષિતોને પ્રત્યક્ષ રીતે ઓળખી શક્યા નથી. સુપ્રીમે મુક્ત કરેલા લોકોમાં ગનશેનન, વેદ પ્રકાશ, તારાચંદ, સુરેન્દ્ર સિંહ (કલ્યાણપુરી), હબીબ, રામ શિરોમણી, બ્રહ્મ સિંહ, સુબ્બર સિંહ અને સુરેન્દ્ર મૂર્તિનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ સુરક્ષાકર્મીઓ દ્વારા હત્યા કર્યા બાદ દેશભરમાં શીખ વિરોધી હુમલાઓ થયાં હતાં. આ રમખાણોમાં સૌથી વધુ દિલ્હીના હજારો શીખો ભોગ બન્યાં હતાં.