શ્રીલંકાની જેમ ભારતમાં પણ બુરખા-નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની શિવસેનાની માગણી

મુંબઈ – હાલમાં જ ઈસ્ટર તહેવારના દિવસે શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી બોમ્બ વિસ્ફોટોને પગલે એ દેશમાં એક અઠવાડિયા માટે બુરખા સહિત ચહેરાને કોઈ પણ કપડા દ્વારા ઢાંકવા પર પ્રતિબંધ મૂકાયેલા પ્રતિબંધની શિવસેના પાર્ટીએ તરફેણ કરી છે અને એવી માગણી કરી છે કે ભારતમાં પણ એવો પ્રતિબંધ લાગુ કરવો જોઈએ.

શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા બોમ્બધડાકાઓમાં 300 જેટલા લોકો માર્યા ગયા હતા અને બીજા સેંકડો ઘાયલ થયા હતા.

શિવસેનાએ તેનાં મુખપત્ર દૈનિક અખબાર ‘સામના’નાં તંત્રીલેખમાં એવો અનુરોધ કર્યો છે કે ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.

શ્રીલંકામાં બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકતી શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરિસેનાએ કરેલી જાહેરાતનો ઉલ્લેખ કરતા અને ફ્રાન્સ જેવા અન્ય અમુક દેશોમાં પણ આવા પ્રતિબંધનો ઉલ્લેખ કરતાં સામનાનાં તંત્રીલેખમાં એવો સવાલ કરાયો છે કે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ભારતમાં આવો પ્રતિબંધ કેમ મૂકી ન શકાય.

તંત્રીલેખમાં કહેવાયું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિશામાં આવું મોટું પગલું ભરવું જોઈએ. બુરખા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ત્રાસવાદીઓના અડ્ડાઓ પર સર્જિકલ હુમલાઓ જેવી જ હિંમત ભારતમાં બુરખાઓ પર પ્રતિબંધ મૂકવા માટે બતાવવી પડે.

સામના મારફત શિવસેનાએ વધુમાં કહ્યું છે કે જે લોકો એમનો ચહેરો બુરખા કે અન્ય વસ્ત્રો વડે ઢાંકી દેવાનું પસંદ કરે છે એ દરેક જણના ઈરાદાને પારખવાનું અશક્ય છે. રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપવાની શ્રીલંકાની હિંમતની શિવસેનાએ પ્રશંસા કરી છે.

બુરખા પર પ્રતિબંધ મૂકવા મામલે સામનાએ એવી દલીલ કરી છે કે જે લોકો શાંતિ અને રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં મૂકતા હોય છે તેઓ બુરખા અને એવા અન્ય વસ્ત્રો દ્વારા એમનો ચહેરો અને ઓળખ આસાનીથી છુપાડી શકે છે.