નોઈડા (ઉત્તર પ્રદેશ): આ શહેરના સેક્ટર 93-Aમાં છેલ્લા 13 વર્ષમાં ગેરરીતિપૂર્વક અને ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા 32-માળના ટ્વિન ટાવરને નોઈડાના વહીવટીતંત્રએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને આજે બપોરે 2.30 વાગ્યે ડાઈનામાઈટના ઉપયોગથી વિસ્ફોટ કરીને તોડી પાડ્યા હતા. માત્ર 12 સેકંડમાં બંને ટાવર જમીનદોસ્ત થયા હતા. એ સાથે જ ધૂમાડા અને કાટમાળની ધૂળના ગોટેગોટા ઉડ્યા હતા અને આસપાસના વિસ્તારમાં આવેલા મકાનો પર છવાઈ ગયા હતા. એને કારણે અમુક મિનિટ સુધી વિસ્તારના અન્ય મકાનો જોઈ શકાયા નહોતા. બંનેને જમીનદોસ્ત કરવા માટે 3,700 કિલોગ્રામ ડાઈનામાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્વિન ટાવરમાં વિસ્ફોટકો ગોઠવવાનું કામ આજે સવારથી ચાલુ કરી દેવામાં આવ્યું હતું.
વિસ્ફોટ કરાયો તે પહેલાં સત્તાવાળાઓએ ટ્વિન ટાવરની આસપાસના મકાનોને ખાલી કરાવી દીધા હતા અને મકાનોને પ્લાસ્ટિકના કવર્સથી ઢાંકી દીધા હતા. આસપાસના મકાનોમાંથી 5000થી વધારે લોકો તથા 3000થી વધારે વાહનોને હટાવી દેવામાં આવ્યા હતા.
ટ્વિન ટાવરની તોડી પડાયા એ વખતે ત્યાં ઉપસ્થિત લોકોએ કહ્યું કે એમને એક મોટો ધડાકો સંભળાયો હતો. ધરતી પણ ધ્રૂજી ગઈ હતી. આ ટ્વિન ટાવર ભ્રષ્ટાચાર આચરીને બાંધવામાં આવી રહ્યા હતા. આસપાસના મકાનોમાંથી હટાવી લેવામાં આવેલા રહેવાસીઓ આજે સાંજે 6.30 પછી જ એમનાં મકાનોમાં પાછાં ફરી શકશે.
100-મીટર ઊંચા આ ટાવર દિલ્હીના કુતુબ મિનાર કરતાંય ઉંચા હતા. ઐતિહાસિક સ્મારક કુતુબ મિનાર 73 મીટર ઊંચો છે.
આ ટાવરોને વોટરફોલ ઈમ્પ્લોઝન ટેકનિથી જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ ટેકમનિક આધુનિક જમાનાના એન્જિનિયરિંગનો દિલધડક નમૂનો છે. સુપરટેક ટ્વિન ટાવરની એક ઈમારતનું નામ હતું એપેક્સ, જેમાં 32 માળ હતા અને બીજી ઈમારતનું નામ સેઈન હતું, જેમાં 29 માળ હતા. આ ટાવરો 2009ની સાલથી સુપરટેક ઈમેરાલ્ડ કોર્ટ હાઉસિંગ સોસાયટીની અંદર બાંધકામ હેઠળ હતા.