શ્રીહરિકોટાઃ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પછી ભારત હવે સૂરજ તરફ ડગ માંડ્યા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) પહેલું સોલર મિશન લોન્ચ કર્યું હતું. શ્રીહરિકોટાના લોન્ચિંગ પેડથી 11.50 કલાકે L-1એ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. એને PSLV-C57 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.સૂર્ય વિશે એ માહિતી એકઠી કરીને ઇસરોને મોકલશે. આદિત્ય L-1 મિશનના લોન્ચિંગ વખતે ઇસરોના વડા એસ. સોમનાથની સાથે વૈજ્ઞાનિકોની ટીમ તિરુપતિ પહોંચી હતી. આ વૈજ્ઞાનિકોએ તિરુપતિ બાલાજી મંદિરમાં મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી.
આ આદિત્ય L-1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય મિશન હશે. આ અવકાશ યાન લોન્ચ થયાના ચાર મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ-1 (L1) પર પહોંચશે. આ બિંદુ પર ગ્રહણની કોઈ અસર નથી, જેના કારણે અહીંથી સૂર્યનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે. આ મિશનનો અંદાજિત ખર્ચ રૂ. 378 કરોડ છે.
આદિત્ય સ્પેસક્રાફ્ટને L1 પોઇન્ટ સુધી પહોંચવામાં લગભગ 120 દિવસ એટલે કે ચાર મહિનાનો સમય લાગશે. આ 120 દિવસ 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂર્ણ થશે. જો મિશન સફળ થાય છે અને આદિત્ય અવકાશયાન L-1 પર પહોંચે છે, તો 2023માં ISRO માટે આ બીજી મોટી સિદ્ધિ હશે.
લેગ્રેન્જ પોઈન્ટ-1 (L-1) શું છે?
લેગ્રેન્જ પોઈન્ટનું નામ ઇટાલિયન-ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જોસેફ-લુઇસ લેગ્રેન્જના નામ પરથી રાખવામાં આવ્યું છે. એ બોલચાલની ભાષામાં L1 તરીકે ઓળખાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા પાંચ બિંદુઓ છે, જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત થાય છે અને કેન્દ્રત્યાગી બળનું નિર્માણ થાય છે.
— Isro AdityaL1 mission (@Isro_AdityaL_1) September 2, 2023
આવી સ્થિતિમાં જો કોઈ વસ્તુ આ સ્થાન પર રાખવામાં આવે છે તો એ સરળતાથી બંને વચ્ચે સ્થિર રહે છે અને ઓછી ઊર્જાની પણ જરૂર પડે છે. પ્રથમ લેગ્રેન્જ પોઈન્ટ પૃથ્વી અને સૂર્ય વચ્ચે 1.5 મિલિયન કિલોમીટરના અંતરે છે.
આદિત્ય L1ના 7 પેલોડ સૂર્યને સમજશે
આદિત્ય યાન L-1 એટલે કે સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઇન્ટ પર રહીને સૂર્ય પર ઉદભવતાં તોફાનોને સમજી શકશે. એ લેગ્રેન્જિયન બિંદુની આસપાસ ભ્રમણ કરશે, વિવિધ વેબ બેન્ડ્સમાંથી સાત પેલોડ દ્વારા ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોનાના સૌથી બહારના સ્તરનું પરીક્ષણ કરશે.
આદિત્ય L1ના સાત પેલોડ કોરોનલ હીટિંગ, કોરોનલ માસ ઇજેક્શન, પ્રી-ફ્લેર અને ફ્લેર એક્ટિવિટીઝની વિશેષતાઓ, પાર્ટિકલ્સના મુવમેન્ટ અને સ્પેસ વેધરને સમજવાની જાણકારી આપશે. આદિત્ય L-1 સોલર કોરોના અને એની હીટિંગ મિકેનિઝમનો અભ્યાસ કરશે.