સુબોધકુમાર જાયસવાલ નિમાયા સીબીઆઈના નવા વડા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 1985ના બેચના પોલીસ અધિકારી સુબોધકુમાર જાયસવાલને કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ મુદત ચાર્જ સંભાળ્યાની તારીખથી બે વર્ષ સુધીની રહેશે. જાયસવાલ હાલ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ છે. એ 2019ના ફેબ્રુઆરી સુધી મહારાષ્ટ્રના પોલીસ વડા હતા. ત્યારબાદ એમની નિમણૂક સીઆઈએસએફના વડા તરીકે કરવામાં આવી હતી. એમણે તે પદ આ વર્ષની 8 જાન્યુઆરીએ સંભાળ્યું હતું. જાયસવાલ મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ના વડા પણ રહી ચૂક્યા છે.

જાયસવાલે સીબીઆઈનું ટોચનું પદ હાંસલ કરવામાં બે દાવેદાર અધિકારીને પરાસ્ત કર્યા છે – રાકેશ અસ્થાના અને વાય.સી. મોદી. રાકેશ અસ્થાના હાલ બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ છે જ્યારે વાય.સી. મોદી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના વડા છે. રિશીકુમાર શુક્લા એમની બે વર્ષની મુદત પૂરી કરીને ગઈ 4 ફેબ્રુઆરીએ નિવૃત્ત થયા બાદ સીબીઆઈના ડાયરેક્ટરનું પદ ખાલી પડ્યું હતું. નવી નિમણૂક ન થાય ત્યાં સુધી એડિશનલ ડાયરેક્ટર પ્રવીણ સિન્હાને સીબીઆઈનું સંચાલન સોંપવામાં આવ્યું હતું, જે ગુજરાત કેડરના પોલીસ અધિકારી છે.