પટનાઃ RRB-NTPC અને ગ્રુપ ડીની એક્ઝામ ગેરરીતિનો આરોપ લગાવતાં બિહારમાં વિદ્યાર્થીઓએ ત્રીજા દિવસે પણ આંદોલન ઉગ્ર બનાવ્યું હતું. તેમણે ટ્રેનોમાં આગ ચાંપી હતી અને પથ્થરબાજી કરી હતી. તેમણે કેટલીય જગ્યાઓ પર પ્રદર્શનો પણ કર્યાં હતા. ફાયર બ્રિગ્રેડની ટીમ ટ્રેનોમાં લાગેલી આગને કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે વિદ્યાર્થીઓને શાંત કરવાના પ્રયાસ કરી રહી છે, પણ વિદ્યાર્થીઓ પોલીસના નિયંત્રણથી બહાર છે. આ ઉપરાંત ગયા રેલવે સ્ટેશનમાં ચાલતી ટ્રેન પર વિદ્યાર્થીઓને પથ્થરમારો કર્યો હતો અને પેસેન્જર ટ્રેનને આગ ચાંપી હતી.
આક્રોશથી ભરેલા વિદ્યાર્થીઓએ કેટલીય ટ્રેનોને નિશાન બનાવી હતી અને શ્રમજીવી એક્સપ્રેસને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જહાનાબાદમાં વિદ્યાર્થીઓએ રેલવે ટ્રેકને જામ કર્યો હતો અને વડા પ્રધાન મોદીના પૂતળાને સળગાવ્યું હતું. તેમણે સરકારવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પણ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા હતા.
રેલવે મંત્રાલયે સામે પક્ષે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર પ્રદર્શનને અશોભનીય બતાવતાં કહ્યું હતું કે વિડિયોમાં ગેરકાયદે કામગીરી કરનારા વિદ્યાર્થીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ આજીવન રેલવેમાં નોકરી મેળવવા અયોગ્ય સાબિત થશે. વાસ્તવમાં રેલવે ભરતી બોર્ડના નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (RRB-NTPC) પરીક્ષાનાં પરિણામમાં કથિત ગેરરીતિને લઈને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
રેલવે મંત્રાલયે રેલવેની બંને પરીક્ષાઓ NTPC અને લેવલ-1ને સ્થગિત કરી દીધી છે. રેલવે મંત્રાલયે કમિટીની રચના કરી છે, જે પરીક્ષામાં પાસ આઉટ સ્ટુડન્ટ અને ફેલ કરવામાં આવેલા વિદ્યાર્થીઓને સાંભળશે અને એને આધારે રિપોર્ટ તૈયાર કરશે સમિતિ રેલવે મંત્રાલયને રિપોર્ટ સુપરત કરશે, જે પછી રેલવે મંત્રાલય આગળનો નિર્ણય કરશે.
