પરિવારના પાલન માટે કુલીનું કામ કરતી લક્ષ્મીની પ્રેરણાદાયક સ્ટોરી…

નવી દિલ્હીઃ જો લગન હોય તો માણસ દરેક મુશ્કેલ પડકારો સામે લડી શકે છે. વાત છે એક મહિલાની કે જેમણે પોતાના પતિના અવસાન બાદ આવી લગન અને નિષ્ઠા દર્શાવી. બિલ્લા નંબર 13 તેમની ઓળખ છે. ભોપાલ રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતી લક્ષ્મી હંમેશા આપને અહીંયા હસતા ચહેરે જ જોવા મળશે. આ મહિલાની કામ પ્રત્યેની રુચી અને કંઈક કરવાના ઉત્સાહથી તેણે પોતાના જીવનમાં હાર ન માની અને જીવનની કપરી પરિસ્થિતીઓ વચ્ચે પણ અત્યારે તે પોતાના પરિવારને મદદ કરી રહી છે અને લાખો મહિલાઓ માટે એક ઉદાહરણ બની ગઈ છે.

હકીકતમાં આ વર્ષે જુલાઈમાં આ મહિલાના પતિનું અવસાન થયું હતું. લક્ષ્મીના પતિ આ જ સ્ટેશન પર કુલી તરીકે કામ કરતા હતા. હવે પોતાના પતિનો બિલ્લા નંબર 13 જ લક્ષ્મીની નવી ઓળખ છે. 8 વર્ષના બાળકની માં લક્ષ્મી કહે છે કે પતિના મૃત્યુ બાદ મારે મારા બાળકને સહારો આપવાનો હતો. તેને એક સારું જીવન આપવાનું હતું. એટલા માટે જ મેં એ નિર્ણય કર્યો કે, મારા પતિની નોકરી હવે હું કરીશ.

તે કહે છે કે, મારી પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી. મારે મારા દિકરાનું પાલન પણ કરવાનું છે. આ નોકરીથી હું રોજના આશરે 50 થી 100 રુપિયા કમાઈ લઉં છું. લક્ષ્મી માને છે કે કુલી તરીકે કામ કરવું તેના માટે સરળ નહોતું, આ કામ ખરેખર ખૂબ મુશ્કેલીભર્યું છે. પરંતુ લક્ષ્મી કહે છે કે મારી પાસે હવે કોઈ વિકલ્પ નથી. દિકરાના સારા ભવિષ્ય માટે મારે કંઈક તો કરવું જ પડશે.

લક્ષ્મી માને છે કે તેણે પોતાના દિકરાને આગળ વધારવા અને પરિવારના ગુજરાન માટે એક સ્થાયી નોકરીની જરુર છે. તે કહે છે કે અહીંયા કંઈપણ નીશ્ચિત નથી. ક્યારેક તો દિવસ એવો પણ હોય છે કે એકપણ રુપિયાની કમાણી નથી થતી. ત્યારે આવામાં હું સ્થાયી નોકરી ઈચ્છું છું. જો કે લક્ષ્મી આ દરમિયાન પોતાના અન્ય સહયોગીઓનો આભાર માનવાનું ન ભૂલી કે જેઓ ભારે સામાન ઉઠાવવામાં તેની મદદ કરે છે.

લક્ષ્મીના એક સહયોગી કુલી, મહેશ પ્રજાપતિએ કહ્યું કે ઘણીવાર યાત્રી તે મહિલા કુલી છે તે જોતા કહે છે કે તેમના માટે સામાન ઉઠાવવો ખૂબ ભારે છે. ત્યારે આવામાં અમેલોકો સંબંધિત યાત્રીઓને તેની સ્થિતી વિશે સમજાવીએ છીએ અને જરુર પડે ત્યારે અમે લોકો તેને સામાન ઉઠાવવામાં પણ મદદ કરીએ છીએ. મહેશ પ્રજાપતિએ જણાવ્યું કે, અમે સંબંધિત અધિકારીઓને પત્ર લખીને લક્ષ્મીને રેલવે ગ્રુપ ડી માં નોકરી આપવાની માંગ કરી છે.