ભાજપના ‘बंटेंगे तो कटेंगे’ના જવાબમાં SPનું નવું પોસ્ટર

લખનઉ: ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેને કારણે રાજ્યમાં રાજકીય ગરમાટો આવ્યો છે. જોકે રાજ્યમાં ચૂંટણી સૂત્રો અંગે ભારે હોબાળો મચ્યો છે. ભાજપે ‘બટેંગે તો કટંગે’ ના સૂત્ર સાથે પ્રચાર કરી રહી છે, જેના જવાબમાં સમાજવાદી પાર્ટીએ પણ પોતાનું સૂત્ર આપ્યું છે. લખનઉના રોડ પર પર SPના નવાં પોસ્ટર જોવા મળ્યાં છે.

હાલમાં જ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે ‘બટેંગે તો કટંગે’ સૂત્ર આપ્યું હતું, જે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં પણ ખૂબ ચર્ચામાં છે. આ નારા પર રાજકારણ ગરમાયું છે, વિપક્ષી પાર્ટીઓ ભાજપના ભeગલા પાડવાના રાજકારણ કરવાનો આરોપ લગાવી રહી છે.

હવે સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ યુપીની રાજધાની લખનઉમાં નવા પોસ્ટર લગાવવાનું શરૂ કરી દીધું છે. લખનઉના રસ્તાઓ પર અખિલેશ યાદવની તસવીર સાથેના પોસ્ટર જોવા મળ્યા છે અને તેના પર ‘જુડેગે તો જીતેંગે’ અને ‘સત્તાઇસ કા સત્તાધીશ’ લખેલું છે. આ પોસ્ટરો સમાજવાદી પાર્ટીના કાર્યકર વિજય પ્રતાપ યાદવે લગાવ્યા છે.

એક જનસભામાં યોગી આદિત્યનાથે બાંગ્લાદેશમાં હિંદુઓ સામે હિંસાનો ઉલ્લેખ કરતા લોકોને એકજૂટ રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં જે ભૂલો થઈ છે તે ભારતમાં ન થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રથી મોટું કંઈ ન હોઈ શકે, રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બનશે જ્યારે આપણે બધા એક થઈશું.