નવી દિલ્હી: નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી દળોની બેઠક પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકાર લોકોને દબાવવા, નફરત ફેલાવવા અને લોકોને સાંપ્રદાયિકતાના આધારે ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહી છે. દેશમાં અભૂતપૂર્વ ડરનો માહોલ છે. બંધારણને નબડું પાડવામાં આવી રહ્યું છે અને તંત્રનો દુરપયોગ થઈ રહ્યો છે.
મહત્વનું છે કે, કોંગ્રેસે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ એક સરખી વિચારધારા ધરાવતા તમામ રાજકીય પક્ષોને રણનીતિ બનાવવા માટે આમંત્રિત કર્યા હતા. પણ આ વિપક્ષી એકતામાં એક પછી એક તિરોડો પડતી ગઈ અને પહેલા મમતા અને ત્યારબાદ માયાવતી અને કેજરીવાલે પણ આ બેઠકમાં હાજરી આપવાથી દૂરી બનાવી લીધી.
બેઠકમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું કે, યુવાઓ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્સન થયા છે, જેને દેશવાસીઓનું સમર્થન પણ મળ્યું હતું. સીએએ અને એનઆરસી આની પાછળ મુખ્ય કારણ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શન લોકોની અંદરનો ગુસ્સો અને નિરાશાને દેખાડે છે, હવે આ ખુલીને બહાર આવી ગયો છે. દિલ્હી અને યૂપીમાં પોલીસની પ્રતિક્રિયા ક્રૂર અને પક્ષપાતપૂર્ણ રહી છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, લાગે છે કે, અસમમાં એનઆરસીએ બેક ફાયર કર્યું છે. મોદી શાહ સરકાર હવે થોડા મહિનામાં શરુ થનારી એનપીઆર પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તેમણે કહ્યું કે, દેશભરમાં એનઆરસીને લાગુ કરવાને લઈને આ બધુ કરવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી દળોની બેઠક પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, યુવાઓની સમસ્યાઓને ઉકેલવાને બદલે નરેન્દ્ર મોદી દેશનું ધ્યાન ભટકાવવા અને સાંપ્રદાયિકતાના ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. યુવાઓની માગણીઓ યોગ્ય છે અને તેને દબાવવી ન જોઈએ, પણ સરકારે આ માગણીઓને સાંભળવી જોઈએ.