નવી દિલ્હીઃ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતમાં કરવામાં આવેલા વધારા સામેના વિરોધમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે લોકસભામાં અવાજ ઉઠાવ્યો હતો. મોંઘવારીની આ સમસ્યા સામે વિરોધ વ્યક્ત કરવા માટે ગૃહમાં પ્રશ્નોત્તરી કલાકમાં ગેરહાજર રહેવા માટે તેઓ માત્ર એમનાં પોતાનાં જ પક્ષનાં સભ્યોને સૂચના આપતાં હતાં એટલું જ નહીં, પરંતુ અન્ય વિરોધ પક્ષોનાં સંસદસભ્યોને પણ સમજાવતાં હતાં.
પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસ (એલપીજી) સિલિન્ડરના ભાવમાં કરવામાં આવેલા વધારા સામે પ્રશ્નોત્તરી કલાક દરમિયાન વિપક્ષ વતી વિરોધ દર્શાવતી વખતે સોનિયા ગાંધી અસાધારણ રીતે અધિક સક્રિય જોવા મળ્યાં હતાં અને વિપક્ષ વતી વિરોધ દર્શાવવામાં પ્રત્યક્ષ રીતે આગેવાની લીધી હતી. એને કારણે કોંગ્રેસનાં સંસદસભ્યો વધારે જોશમાં આવી ગયાં હતાં. એમણે લોકસભા ગૃહમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી તથા પક્ષના અન્ય સભ્યોને વિરોધ વ્યક્ત કરવા માટે સૂચનાઓ આપી હતી. પ્રશ્નોત્તરી કલાક પૂરો થઈ ગયા બાદ પણ સોનિયા ગૃહમાંથી ચાલ્યાં ગયાં નહોતાં અને ત્યાં બેસવાનું ચાલુ જ રાખ્યું હતું.