રાષ્ટ્રીય હાઇવે પર 60 કિલોમીટર પછી જ ટોલ-નાકાઃ ગડકરી

નવી દિલ્હીઃ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝપ્રધાન નીતિન ગડકરીએ લોકસભામાં એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર આવનારા દિવસોમાં ત્રણ મહિનામાં કેટલાક ગેરકાયદે ટોલ નાકા બંધ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે દેશમાં 60 કિમીથી ઓછા અંતરની વચ્ચે ટોલ નાકા ના હોવા જોઈએ, પણ કેટલીક જગ્યાએ આવા ટોલ નાકા ચાલી રહ્યા છે. તેમણે સંસદમાં કહ્યું હતું કે હું સંસદને વિશ્વાસ અપાવું છું કે આવા બધા ટોલ નાકા સરકાર આગામી ત્રણ મહિનામાં બંધ કરી દેશે, કેમ કે એ ખોટાં કામ અને એવા ટોલ નાકા ચલાવવા ગેરકાયદે છે. તેમણે કહ્યું હતું કે ટોલ નાકાની પાસે રહેતા લોકો આધાર કાર્ડનો ઉપયોગ કરીને પાસ પ્રાપ્ત કરી શકશે.

જમ્મુ અને કાશ્મીરમાં માળખાકીય વિકાસના પ્રોજેક્ટો માટે તેમણે કહ્યું હતું કે હાલમાં જોજિલા ટનલ પાસે 1000 લોકો કામ કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 7000 કરોડના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેમાં જોજિલા ટનલની અંદર (-8) ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ આશરે 1000 લોકો કામ કરી રહ્યા છે.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે દિલ્હી-અમૃતસર-કટરા હાઇવેનું કામ શરૂ થઈ ગયું છે. આ વર્ષના અંત સુધીમાં મુંબઈથી શ્રીનગર 20 કલાકમાં પહોંચી શકાશે અને દિલ્હી અને અમૃતસરની વચ્ચે આવ-જા માટે ચાર કલાકનો સમય લાગશે, એમ તેમણે કહ્યું હતું.