ચારધામ ક્ષેત્રમાં હિમવર્ષા; કેદારનાથમાં તાપમાન માઈનસ 7

દેહરાદૂનઃ ઉત્તરાખંડ રાજ્યના પવિત્ર એવા ચારધામ ક્ષેત્રમાં શિયાળો ખૂબ જ તીવ્ર બન્યો છે. પહાડો પર જોરદાર બરફવર્ષા થઈ રહી છે. આને કારણે મેદાન વિસ્તારોમાં ગાત્રો થીજાવી દે એવી ઠંડી પડી રહી છે. આખો દિવસ જોરદાર ઠંડી પડે છે. મેદાન વિસ્તારોમાં દિવસના ભાગમાં ક્યારેક તડકો નીકળે છે, પણ વહેલી સવારે અને સાંજે ધૂમ્મસ છવાઈ જાય છે.

ચારધામ ક્ષેત્રમાં ગઈ કાલથી હિમવર્ષા થઈ રહી છે. ફૂલોં કી ઘાટી, હેમકુંડ સાહિબ, તુંગનાથ, મદ્મહેશ્વર, હર્ષલ, ઉત્તરકાશી, ઔલી આ તમામ વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા છે. પહાડી વિસ્તારોમાં વરસાદ પડવાની પણ હવામાન વિભાગની આગાહી છે. કેદારનાથ ધામમાં તો તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ગંગોત્રી, યમુનોત્રીમાં પણ પારો ઝીરોથી નીચે ગયો છે. નીચલા વિસ્તારોમાં વાદળો છવાઈ જવાને કારણે કાતિલ ઠંડી પડે છે.