સંસદભવનની બહાર બે દેખાવકારની ધરપકડ

નવી દિલ્હીઃ આજે લોકસભામાં મુલાકાતીઓની ગેલરીમાંથી કૂદીને બે શખ્સે સ્પીકરના મંચ પાસે પહોંચીને પીળા રંગનો ધૂમાડો છોડનાર સ્મોક સ્ટિક ફેંકી ફેંક્યાની અમુક જ મિનિટો બાદ સંસદભવનની બહાર, ટ્રાન્સપોર્ટ ભવનની નજીક પોલીસે બીજા બે જણની ધરપકડ કરી હતી. આમાં એક પુરુષ છે અને એક મહિલા છે. આ બંને જણ નારા લગાવતા હતાઃ ‘સરમુખત્યારશાહી, મહિલાઓ વિરુદ્ધ ગુનાઓને સાંખી નહીં લેવાય.’

મહિલા દેખાવકારને 42 વર્ષીય નીલમ અને પુરુષ દેખાવકારને 25 વર્ષીય અમોલ શિંદે તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. મહિલા હરિયાણાના હિસ્સારની વતની છે જ્યારે પુરુષ દેખાવકાર મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે.

આ બંને જણ રંગીન ધૂમાડો છોડીને વિરોધ દર્શાવતા હતા. આ બંનેની ધરપકડ વખતે સાગર નામના શખ્સે લોકસભાની અંદર સ્મોક સ્ટીક ફેંકી હતી જેમાંથી રંગીન ધૂમાડો છૂટ્યો હતો.