લખનઉઃ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ કરવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યો અત્યારે પોતાના કામમાં લાગ્યા છે. મંદિર નિર્માણ માટે દાન પણ અત્યારે સ્વિકારવામાં આવી રહ્યું છે. આ ટ્રસ્ટને દાન આપનારા લોકો પર કેન્દ્ર સરકાર પણ મહેરબાન છે અને તેમને ઈન્કમ ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદી સરકારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ઐતિહાસિક મહત્વ સ્થાન અને સાર્વજનિક પૂજન સ્થળની શ્રેણીમાં મૂક્યું છે. આ કારણે આ મંદિરના ટ્રસ્ટમાં દાન કરનારા તમામ દાનદાતાઓને નાણાંકીય વર્ષ 2020-2021 માં છૂટ મળશે. રામ મંદિર ટ્રસ્ટને દાન આપનારા લોકોને ઈન્કમ ટેક્સની કલમ 80 જી અંતર્ગત રાહત આપવામાં આવી છે.
ઈન્કમ ટેક્સ કાયદાની કલમ 80 જી અંતર્ગત કોઈપણ સામાજિક, રાજનૈતિક, અને જનહિતકારી સંસ્થાઓ સહિત સરકારી કોષોમાં આપવામાં આવેલા દાન અથવા ફાળા પર છૂટ લેવાનો અધિકાર મળે છે, પરંતુ ટેક્સમાં આ છૂટ દરેક દાન અથવા ફાળામાં એક જેવી નથી હોતી પરંતુ કેટલાક નિયમો અને શરતોના હિસાબથી મળે છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લઈને કેન્દ્રીય નાણા મંત્રાલયે નોટીફિકેશન જાહેર કર્યું છે.
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 9 નવેમ્બરના રોજ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં ઐતિહાસિક નિર્ણય સંભળાવતા જ વિવાદિત 67 એકર ભૂમિ હિંદૂ પક્ષને સોંપી હતી. સરકાર પાસેથી મસ્જિદ નિર્માણ માટે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ કોઈ મહત્વપૂર્ણ સ્થાન પર પાંચ એકર ભૂમિ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ સાથે જ કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો હતો. બાદમાં કેન્દ્ર સરકારે 8 ફેબ્રુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું ગઠન કરવામાં આવ્યું હતું. આનું ખાતુ પણ ખોલવામાં આવ્યું છે. આ ખાતામાં બે એપ્રીલ સુધી પાંચ કરોડથી વધારે રકમ દાન સ્વરુપે મળી છે. આમાં 11,000 થી લઈને એર હજાર એક રુપિયા સુધીનું દાન જમા થઈ રહ્યું છે. આયકર વિભાગની છૂટ બાદ દાન આપનારા હવે દાનની રકમ પણ વધારી દેશે. આનાથી ટ્રસ્ટને પણ ખૂબ લાભ મળશે.