‘આરોગ્ય સેતુ’ એપથી 300 નવા હોટસ્પોટની જાણકારી મળી

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીના સંકટનો સામનો કરવામાં મદદરૂપ થવા માટે નરેન્દ્ર મોદી સરકારે ‘આરોગ્ય સેતુ’ એપ્લિકેશન તૈયાર કરી છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું છે કે આ એપની મદદથી દેશભરમાં કોરોના વાઈરસના નવા ઉભરતા 300 હોટસ્પોટ્સની જાણકારી મળી છે.

કાંતે કહ્યું કે, ‘આરોગ્ય સેતુ’ એપ ન હોત તો આ 300 હોટસ્પોટ્સ પકડમાં આવી શક્યા ન હોત.

આ એપ્લિકેશને સત્તાવાળાઓને દેશભરમાં કોરોનાના 650 હોટસ્પોટ્સ અને 300 નવા ઉભરતા હોટસ્પોટ્સની જાણકારી આપીને એલર્ટ કરી દીધા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અમિતાભ કાંતે કહ્યું કે મહારાષ્ટ્રમાં આરોગ્ય એપે 18 જિલ્લાઓમાં 60 હોટસ્પોટ્સનો પતો લગાવ્યો છે. દેશભરમાં, 13-20 એપ્રિલ વચ્ચે 130 હોટસ્પોટ્સની ઓળખ કરી હતી. બાદમાં, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અનુમાનિત હોટસ્પોટ્સને વાસ્તવિક હોટસ્પોટ્સ તરીકે ઘોષિત કર્યા હતા.

કાંતે કહ્યું કે, ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરનારાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 12,500 જણ કોરોના પોઝિટીવ હોવાનું માલૂમ પડ્યું છે. ‘આરોગ્ય સેતુ’ દુનિયાના કોઈ પણ અન્ય ટેસ્ટિંગ પ્લેટફોર્મ કરતાં વધારે સારી છે.

અત્યાર સુધીમાં 6 કરોડ 90 લાખ લોકોએ ‘આરોગ્ય સેતુ’થી પોતાના આરોગ્યની જાંચ કરાવી છે. આમાં 34 લાક લોકોએ પોતાને બીમાર ઘોષિત કર્યા હતા, કારણ કે એમનામાં એક અથવા ત્રણથી વધારે લક્ષણ જોવા મળ્યા હતા. 70 સ્વાસ્થ્યકર્મીઓની સમર્પિત ટીમ એવા સાડા છ લાખ લોકો સુધી પહોંચી છે જેમનામાં બે કે તેનાથી વધારે લક્ષણ જોવા મળ્યા હતા.

‘આરોગ્ય સેતુ’ યૂઝર્સને એ જાણકારી મેળવવામાં મદદ કરે છે કે એમની પર કોરોના વાઈરસનું જોખમ છે કે નહીં. આ એપ કોરોના તથા એના લક્ષણોથી બચવાના ઉપાયો પણ દર્શાવે છે.

ભારતમાં કોરોના કેસોની સંખ્યા 60 હજારની નજીક

દરમિયાન, ભારતમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા 59,662 પર પહોંચી ગઈ છે. આમાં, 39,834 જણ સક્રિય છે, 17,846 લોકો સાજા થઈ ચૂક્યા છે અને 1,981 જણના મૃત્યુ થયા છે.

મહારાષ્ટ્રમાં, ગઈ કાલે કોરોનાના નવા 1,165 કેસો મળ્યા હતા અને વધુ 48 જણના મોત નિપજ્યા હતા. રાજ્યમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 20,228 પર પહોંચી છે.

દુનિયાભરમાં, કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 41 લાખની ઉપર ગઈ છે. મૃત્યુઆંક 76 હજારથી વધુનો થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]