નવી દિલ્હી: વસ્તી નિયંત્રણને લઈને શિવસેના સાંસદે રાજ્યસભામાં એક મહત્વનું બિલ રજૂ કર્યું છે. દેશમાં થઈ રહેલો વસ્તી વધારો એક મોટી સમસ્યા છે. ત્યારે દેશભરમાં એક જ માંગણી છે કે વસ્તી નિયંત્રણ કરવામાં આવે. જે વિશે આ પહેલા મોહન ભાગવત પણ પોતાનો મત રજૂ કરી ચૂક્યાં છે.
દેશની વધતી વસ્તી સતત પડકાર બની રહી છે. આ પડકારને જોતા શિવસેનાના રાજ્યસભા સાંસદ અનિલ દેસાઈ એક પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું છે. જેમાં 2 બાળકોની નીતિને પ્રોત્સાહિત કરવાની વાત કહેવામાં આવી છે. આ બિલ પર બજેટ સત્રના બીજા સેશનમાં ચર્ચા થાય તેવી શકયતા છે.
અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘આ બિલ માટે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મંજૂરી લીધી છે. આ સંજોગોમાં એ પણ ધ્યાન પર લેવું જોઈએ કે શિવસેનાના સાથી કોંગ્રેસ અને એનસીપીની આ બિલ પર કેવી પ્રતિક્રિયા આપે છે. અનિલ દેસાઈએ આ બિલને રજૂ કરતા સંવિધાનના કેટલાક સંશોધનની માંગણી રાખી છે. જેમાં સંવિધાનના અનુચ્છેદ 47A ને જોડવાની માંગ કરવામાં આવી છે. બિલમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે વધતી વસ્તીને નિયંત્રિત કરવા માટે પરિવારને બે બાળકો સુધી મર્યાદિત રાખનારા નાગરિકોને ટેક્સમાં છુટ, વ્યવસાય, શિક્ષણમાં પ્રોત્સાહન જેવા નિયમો બનાવવામાં આવે. માપદંડોનું પાલન ન કરનારાને લોકોને આનો લાભ નહીં મળે. ભારતની જનસંખ્યા અત્યારે પણ 130 કરોડથી પણ વધારે છે જે વિશ્વમાં બીજા નંબરની છે.
મોટાભાગે ખાનગી મેમ્બર બિલો સદનમાં ચર્ચાથી આગળ નથી વધી શકતા. પણ આ બિલને લઈને હજુ એ સ્પષ્ટ નથી થયું કે, મહારાષ્ટ્રમાં શિવસેનાના ગઠબંધન સહયોગી કોંગ્રેસ અને એનસીપી આ બિલ પર કેવું વલણ દાખવે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ મુદ્દે ગઠબંધનમાં તિરાડ પડી શકે છે, કારણ કે આ પ્રકારની કાયદાકીય માંગને મુસ્લિમ સમુદાય વિરોધી માનવામાં આવે છે.